પંજાબની અસ્થિર મગજની મહિલાનું 7 મહિના પછી પરિવાર જોડે મિલન કરાવ્યું સેવાભાવી સંસ્થાએ

સેવાયજ્ઞ સમિતિએ પંજાબના વતની કુસુમદેવીનું સાત મહિના પછી પરિવાર જોડે સુખદ મિલન કરાવ્યું
(પ્રતિનિધિ) ભરૂચ, પંજાબના લુધિયાણાની અસ્થિર મગજની મહીલા પોતાના ઘરે થી ગુમ થઈ ભરૂચ જીલ્લાના વાગરા પાસેથી અકસ્માત હાલતમાં મળ્યા બાદ સેવાયજ્ઞ સમિતિ પાસે આવતા તેનું કાઉન્સેલિંગ કર્યા બાદ છ મહિના બાદ પરિવાર સાથે સુખદ મિલન કરાવતા પરિવારજનોમાં ખુશી જોવા મળી રહી છે.
ફેબ્રુઆરી ૨૦૨૫ માં ભરૂચ જિલ્લાના વાગરા પાસે રોડ એક્સિડન્ટ થવાથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે સારવાર માટે મોકલવામાં આવેલ હતી.જેને પગમાં ફ્રેક્ચર થવાથી પથારીવશ થઈ હતી.પરંતુ મહિલા માનસિક રીતે અસ્વથ હોવાથી સારવાર થઈ શકે તેમ ન હોવાથી મહિલાને સેવાયજ્ઞ સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલ માંથી આશ્રય માટે અનાથ ઘરડાઘરમાં લઈ આવ્યા હતા.
જે બાદ સેવાયજ્ઞ સમિતિ સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પરીખે મહિલા સાથે વાતચીત કરી કાઉન્સેલિંગ કરતા તેણે પોતાનું નામ કુસુમદેવી બતાવ્યું હતું.પરંતુ તેઓ કશું જ બોલતા કે સમજતા પણ ન હતા.ઘણું સમજાવા છતાં પણ ઓપરેશન માટે તૈયાર ન હતા, આથી માનસિક રોગના ડૉ.સુનિલ શ્રોત્રિય પાસે મહિલાની સારવાર ચાલુ કરાવી હતી અને ત્રણ મહિનાની સારવારમાં કુસુમદેવીમાં ઘણો ફેર આવવા માંડ્યો હતો
અને આખરે ઘણા સમય પછી કુસુમદેવીએ આપેલ એડ્રેસ લુધિયાણા પંજાબનું જણાવતા સેવાયજ્ઞ સમિતિ દ્વારા લુધિયાણા પોલીસનો સંપર્ક કરી મહિલાએ આપેલ એડ્રેસ આપી લુધિયાણા પોલીસ દ્વારા તપાસ કરી તેના પરિવારનો સંપર્ક કરી તેઓને ભરૂચ ખાતે મોકલવા આવતા મહિલાના પતિ અને ભાઈ આવી પહોંચતા અસ્થિર મગજની મહિલાનો પરિવાર સાથે સુખદ મિલન કરાવતા પરિવારજનોમાં ખુશી જોવા મળવા સાથે સંસ્થાનો આભાર માણ્યો હતો.
કુસુમદેવીના પતિ ધીરજકુમારના કહેવા મુજબ તેમને ચાર બાળકો છે અને ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજથી ગુમ થાય ગયા હતા.તેમને ત્યાં પોલીસ તથા પોસ્ટર પણ બધે લગાવ્યા હતા.છતાં એમનો કોઈ ભાળ મળેલ નહોતી અને એમને આશા પણ છોડી દીધી હતી.
ત્યારબાદ સેવાયજ્ઞ સમિતિએ પંજાબ પોલીસના સહયોગથી કુસુમદેવીના પરિવારને ભરૂચ બોલાવી એમના મેળાપ કરાવ્યો હતો.સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવકોના અથાગ પ્રયત્નો કરી આવા ઘણાં અનાથ લોકોનું તેમના પરિવાર જોડે સુખદ મિલન કરાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લામાં સર્જાતા અકસ્માત,બિનવારસી કે ગુમ થયેલ લોકો ભરૂચ સેવાયજ્ઞ સમિતિમાં આવતા તેઓને અનાથ ઘરડા ધરમાં રાખી તેઓની સારવાર કરવા સાથે તેઓની દેખરેખ કરી પરિવારજનો સાથે મિલન કરાવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.