ડિપોઝિટ જમા કરવાની બાંયધરી પર આરોપીને જામીન ન આપવા અદાલતોને સુપ્રીમની તાકીદ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ચોક્કસ રકમ જમા કરવાની આરોપી અથવા તેમના પરિવારના સભ્યોની બાંયધરી પર આરોપીને જામીન ન આપવા માટે હાઇકોર્ટાે અને ટ્રાયલ કોર્ટાેને તાકીદ કરતાં જણાવ્યું હતું કે આવી પ્રથા બંધ થવી જોઈએ. હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટે નિયમિત અથવા આગોતરા જામીન માટેની અરજીનો નિર્ણય કેસના મેરિટને આધારે કરવો જોઇએ.
અરજદારો કોર્ટને હળવાથી લેતા હોવાનું અવલોકન કરીને ન્યાયાધીશ જે બી પારડીવાલા અને આર મહાદેવનની ખંડપીઠે જણાવ્યું હતું કે આ આદેશ દ્વારા, અમે સ્પષ્ટ કરીએ છીએ અને તે પણ નિર્દેશોના રૂપમાં કે હવેથી કોઈપણ ટ્રાયલ કોર્ટ અથવા કોઈપણ ઉચ્ચ અદાલત આરોપી દ્વારા રજૂ કરવામાં આવેલી કોઈપણ બાંયધરી પર નિયમિત જામીન અથવા આગોતરા જામીનના આદેશ આપશે નહીં.
છેતરપિંડીના કેસમાં અગાઉ જામીન મેળવેલા એક આરોપીને ચાર અઠવાડિયામાં આત્મસમર્પણનો આદેશ આપતા બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી અપીલ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ૨૮ જુલાઈએ આ આદેશ આપ્યો હતો.આરોપીએ હાઈકોર્ટમાં રૂ.૨૫ લાખ જમા કરવાનું સોગંદનામું-કમ-બાંયધરી આપી હતી.
જોકે જામીન પર મુક્ત થયા પછી આરોપીએ આ રકમ જમા કરાવી ન હતી. આ પછી ફરિયાદીએ આ આરોપીના જામીન રદ કરવાની હાઈકોર્ટમાં માગણી કરી હતી.
સુપ્રીમે જણાવ્યું હતું કે અમે જોયું છે કે અમુક રકમ જમા કરવામાં આવશે તેવી બાંયેધરીને આધારે વિવિધ હાઇકોર્ટ નિયમિત અને આગોતરા જામીન આપતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં, કદાચ આરોપી આવી બાંયધરીનું પાલન કરતાં હશે, પરંતુ અત્યાર સુધીનો અનુભવ એ છે કે આરોપી પાછળથી બાંયધરીનો ભંગ કરે છે.SS1MS