Western Times News

Gujarati News

ઇડરના ગોલવાડામાં પશુમાલિકની હત્યા કરનાર ૬ શખ્સોને આજીવન કેદ

હિંમતનગર, ઇડર તાલુકાના ગોલવાડા ગામની સીમમાં એક માલધારીને ગામના એક જ પરિવારના ૬ જણાએ ભેગા મળી લાકડીઓ અને કુહાડી વડે માર મારી હત્યા કરી હતી.

આ અંગેની પોલીસ ફરિયાદ ઇડર પોલીસ મથકમાં નોંધાયા બાદ ચાર્જશીટ ઇડર કોર્ટમાં રજૂ કરાઇ હતી. જે અંગેનો કેસ ઇડરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે ૬ જણાને હત્યાના ગુનામાં કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા તથા રૂ.૨૫ હજારનો દંડ ફટકાર્યાે હતો.

ગત તા.૧૭-૧૦-૨૦૧૦ના સવારના સુમારે ગોલવાડા ગામના કલાબેન અને વિરમભાઇ માવજીભાઇ રબારી સાથે થયેલા ઝઘડાની અદાવત રાખીને ગોલવાડા ગામના હેમરાજભાઇ માલાભાઇ રબારી, અમૃતભાઇ સોમાભાઇ રબારી, રાજુભાઇ સોમાભાઇ રબારી, દિનેશભાઇ હેમરાજ રબારી, ભરત હેમરાજ રબારી, જયરામ હેમરાજ રબારી (તમામ રહે. ગોલવાડા, તા.ઇડર)એ ભેગા મળીને વિરમભાઇ રબારી ઢોર ચરાવતા હતા ત્યારે લાકડી તથા કુહાડીથી માથામાં હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતાં વિરમભાઇ રબારીનું મોત નિપજ્યું હતું. આ અંગે ૬ જણા સામે ઇડર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ કરી ચાર્જશીટ ઇડર કોર્ટમાં રજૂ કરી હતી.

કેસ ઇડરની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ પ્રણવભાઇ સોનીએ રજૂ કરેલા દસ્તાવેજી પૂરાવા તથા દલીલોને ધ્યાનમાં રાખી ન્યાયાધીશ એમ.વાય. રાધનપુરવાલાએ ૬ જણાને હત્યાના ગુનામાં કૂરવાર ઠરાવી આજીવન કેદ એટલે કે, જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજાનો હુકમ કર્યાે હતો.

આ ઉપરાંત રૂ. ૨૫ હજારનો દંડ ફટકાર્યાે હતો. ઉપરાંત મૃતક વિરમભાઇના પરિવારને રૂ.૧ લાખ વળતરપેટે ચૂકવી આપવાનો આદેશ કોર્ટ દ્વારા કરાયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.