૫ વર્ષના બાળકની કસ્ટડી પિતાને સોંપવા ફેમિલી કોર્ટનો ચુકાદો

અમદાવાદ, ૫ વર્ષના સગીર બાળકની કસ્ટડી મેળવવાની માતાએ ફેમિલી કોર્ટેમાં કરેલી અરજી કોર્ટે ફગાવી દઇ બાળકની કસ્ટડી પિતાને સોંપવા મહત્ત્વપૂર્ણ આદેશ કર્યાે છે.
કોર્ટે નોંધ્યું હતું કે, બાળક છેલ્લા બે વર્ષથી પિતાની સાથે રહે છે, પિતા-પુત્ર વચ્ચેના સબંધને તોડવો યોગ્ય લાગ્યું નહીં. બાળકની કસ્ટડી પિતા પાસે રહે તે જ યોગ્ય જણાય છે.
નોંધનીય છે કે, સગીર બાળક માતા સાથે રહે તેવો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છે, પરંતુ આ કેસમાં કોર્ટે પૂરતા પુરાવા ધ્યાને લઇ બાળકની કસ્ટડી પિતા સાથે સારી રહે તેમ હોવાથી મહત્ત્વપૂર્ણ આદેશ કર્યાે છે. અમદાવાદની ફેમિલી કોર્ટમાં મૂળ પાટણ રહેતી ૨૮ વર્ષીય મહિલાએ અમદાવાદમાં રહેતા તેના પૂર્વ પતિ પાસેથી ૫ વર્ષના બાળકની કસ્ટડી મેળવવા અરજી કરી હતી.
બંનેના લગ્ન વર્ષ ૨૦૧૫ માં થયા હતા. પત્નીની રજૂઆત મુજબ પતિ તેનું આર્થિક, માનસિક, શારીરિક શોષણ કરતો હતો. બંનેએ વર્ષ ૨૦૨૨માં કરાર દ્વારા છૂટાછેડા લીધા હતા.
આમ તેમનું લગ્ન જીવન ૭ વર્ષ જ ટક્યું હતું. પતિના વકીલે છૂટાછેડાનો કરાર ડ્રાફ્ટ કર્યાે હતો.જેની શરતો સાથે પત્ની સહમત નહોતી. પત્ની નહોતી ઇચ્છતી કે તે છૂટાછેડા લે પણ પતિ તેને માર મારતો અને દાસીની જેમ રાખતો હતો. તેને બાળકને થોડો સમય પતિને રાખવા આપ્યો તો બાળકની સંપૂર્ણ કસ્ટડી પતિએ લઈ લીધી હતી. હવે તેનો પૂર્વ પતિ તેને પોતાના બાળક સાથે મળવા દેતો નથી અને પુત્રને મારીને પોતે મરી જવાની ધમકી આપે છે.
આમ બાળકનું જીવન પણ સંકટમાં છે.વધુમાં એવી દલીલ પણ કરી હતી કે, છૂટાછેડાના કરાર મુજબ પૂર્વ પતિએ અરજદાર પત્નીને ૫ લાખનું વળતર ચૂકવ્યું નથી. સ્ત્રી ધન પણ પરત આપ્યું નથી.
બાળકની કસ્ટડી તેની માતા પાસે જ રહેશે તેવું છૂટાછેડા વખતે મૌખિક રીતે જણાવવામાં આવ્યું હતું. પાડોશીના લીધે તેમના લગ્ન જીવનમાં વિક્ષેપ સર્જાયો હતો. પતિ શરાબની મહેફિલો માણતો હતો. પત્નીને માર મારતો અને અગરબત્તીના ડામ આપતો હતો. બાળકની કસ્ટડી મેળવવા અરજદાર મહિલાએ તેના પૂર્વ પતિને નોટિસ પણ આપી હતી.
પતિના એડવોકેટ રાહુલકુમાર.વી. મોદીએ દલીલ કરતા જણાવ્યું હતું કે, અરજદાર મહિલાના પૂર્વ પતિએ તમામ આક્ષેપો ખોટા છે અને પત્ની દિવાસ્વપ્નમાં રાચતી હોવાનો હતી. બંને લગ્ન બાદ અનેક જગ્યાએ ફરવા ગયા હતા. પતિએ ઉધારી પણ કરી હતી અને પત્નીને વિદેશી ભાષા શીખવવા ક્લાસિસમાં પણ મૂકી હતી.
પરંતુ પુરુષ વિદ્યાર્થીઓ સાથેના આયોગ્ય વર્તનને લઈને તેને ક્લાસિસીમાંથી રૂખસદ આપી દેવામાં આવી હતી. પત્નીને પાડોશી યુવક ગાડી શીખવાડતો હતો અને તે યુવક સાથે પત્ની હોટેલમાં જતી હતી. ત્યારબાદ તેમના લગ્નજીવનમાં ઝઘડા શરૂ થયા હતા.
પતિ સંતાન ઇચ્છતો હતો પણ પત્ની ના પાડતી હતી. માતા તેના બાળક પ્રત્યે બેદરકાર હતી અને બાળકના જન્મથી તે ખુશ નહોતી. હાલમાં પૂર્વ પતિ પોતાના પિતરાઇ ભાઈ બહેનો સાથે રહે છે. તેના માતા-પિતાનું નિધન થઇ ચૂક્યું છે. તે બાળકને માતા અને પિતા એમ બંનેનો પ્રેમ આપે છે. પુત્રનો પિતા સાથે ખૂબ લગાવ થઈ ગયો છે, હવે તે પિતાથી અલગ રહી શકશે નહીં.
પુત્ર જ્યારે ૧૬ મહિનાનો હતો, ત્યારે પતિ- પત્ની વચ્ચે છુટાછેડા થયા હતા. ત્યારબાદ સંતાનની માતાએ તેની મુલાકાત લીધી નથી. બાળકને જરૂરી ખોરાક, દવા, કપડા સહિતની અન્ય વસ્તુઓની પૂરવણી પિતાએ કરી છે.SS1MS