જાડેજા વિશ્વનો ટોચના ક્રમનો ઓલરાઉન્ડર બની ગયો

દુબઈ, ઇંગ્લેન્ડ સામેની ચોથી ક્રિકેટ ટેસ્ટમાં શાનદાર અડિખમ સદી ફટકારીને ભારત માટે ટેસ્ટ બચાવવામાં મહત્વનું યોગદાન આપનારા ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પોતાનું સ્થાન વધારે મજબૂત બનાવી દીધું છે અને ઇન્ટરનેશન ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ટેસ્ટ ક્રિકેટ ક્રમાંકમાં તે મોખરાનો ઓલરાઉન્ડર તરીકે ટકી રહ્યો છે.
આ સાથે આઇસીસીના ટી૨૦ ક્રમાંકમાં અભિષેક શર્માએ મોખરાનું સ્થાન હાંસલ કરી લીધું હતું. અભિશેક પહેલી વાર આ ક્રમે પહોંચ્યો છે. આઇસીસી મેન્સ ક્રિકેટના ટેસ્ટ ક્રમાંકમાં રવીન્દ્ર જાડેજાએ તેની સરસાઈ ૧૧૭ સુધી પહોંચાડી દીધી હતી.
હાલમાં તે ૪૨૨ પોઇન્ટ ધરાવે છે જ્યારે બાંગ્લાદેશનો મહેદી હસન મિરાઝ ભારતીય ઓલરાઉન્ડર કરતાં ૧૧૭ પોઇન્ટ પાછળ છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ છેલ્લા એક વર્ષથી ટી૨૦ ક્રમાંકમાં મોખરે હતો પરંતુ તાજેતરમાં તેની ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે પાંચ ટી૨૦ મેચની સિરીઝ રમી તેમાં હેડ રમી શક્યો ન હતો. આમ તે આગેકૂચ કરી શક્યો નહીં અને તેને સ્થાને અભિશેક શર્મા મોખરે પહોંચી ગયો છે.
ડાબોડી બેટર અભિશેક શર્મા અત્યારે ૮૨૯ રેટિંગ્સ પોઇન્ટ ધરાવે છે જ્યારે ટ્રેવિસ હેડ ૮૧૪ પોઇન્ટ સાથે બીજા ક્મે આવી ગયો છે.આઇસીસીએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે તાજેતરમાં માન્ચેસ્ટર ખાતે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં અણનમ ૧૦૭ રન ફટકારવા ઉપરાંત જાડેજાએ મેચમાં ચાર વિકેટ લીધી હતી. આમ તેણે ઓલરાઉન્ડરના ક્રમાંકમાં બાકીના તમામને પાછળ રાખી દીધા છે અને જંગી સરસાઈ સાથે આગળ નીકળી ગયો છે.
આ મેચમાંથી તેને ૧૩ રેટિંગ પોઇન્ટ મળ્યા હતા. આમ તે હવે ૪૨૨ રેટિંગ પોઇન્ટ ધરાવે છે જે મહેદી હસન મિરાઝ કરતાં ૧૧૭ પોઇન્ટ આગળ છે. આ ઉપરાંત બેટિંગ ક્રમાંકમાં પણ જાડેજાએ પાંચ ક્રમની છલાંગ લગાવી છે અને હવે તે ૨૯મા સ્થાને છે.
ભારતનો વોશિંગ્ટન સુંદર આ ટેસ્ટ શરૂ થઈ તે અગાઉ ૭૩મા ક્રમે હતો જે હવે આઠ ક્રમની છલાંગ સાથે ૬૫મા સ્થાને આવી ગયો છે. તેણે પણ ચોથી ટેસ્ટમાં લડાયક સદી ફટકારી હતી અને જાડેજા સાથે પાંચમી વિકેટની અતૂટ ભાગીદારીમાં ૨૦૩ રન ઉમેર્યા હતા. દરમિયાન ઇંગ્લેન્ડનો જો રૂટ બેટિંગમાં મોખરાના ક્રમે ટકી રહ્યો છે. માન્ચેસ્ટરમાં ભારત સામે સદી ફટકારનારા રૂટે વધુ ૩૭ રેટિંગ પોઇન્ટ હાંસલ કરીને આ ક્રમ મેળવ્યો છે.SS1MS