રૂ.૬,૦૧૭ કરોડના મૂલ્યની રૂ.૨૦૦૦ની નોટ હજુ પણ ચલણમાં: આરબીઆઈ

મુંબઈ, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રૂ. ૨૦૦૦ની નોટ ચલણમાંથી પરત ખેંચવાની જાહેરાત કર્યાના બે વર્ષ વિત્યા હોવા છતાં પણ બજારમાં રૂ. ૬,૦૧૭ કરોડના મૂલ્યની નોટો ચલણમાં ફરે છે.
આરબીઆઈએ શુક્રવારે સત્તાવાર ડેટા જાહેર કરતા જણાવ્યું કે, ૧૯ મે ૨૦૨૩ના કામકાજના અંતે ચલણમાં ફરી રહેલી રૂ. ૨,૦૦૦ના દરની નોટનું કુલ મૂલ્ય રૂ.૩.૫૬ લાખ કરોડ હતું. જે ૩૧ જુલાઈ ૨૦૨૫ના કામકાજના અંતે ઘટીને રૂ. ૬,૦૧૭ કરોડ થયું છે.
આનો અર્થ એ થયો કે આરબીઆઈની જાહેરાત બાદ રૂ. ૨,૦૦૦ના દરની ૯૮.૩૧ ટકા નોટ પરત કરાઈ હતી.રિઝર્વ બેન્ક દેશમાં આવેલી ૧૯ ઈશ્યુ ઓફિસો ખાતે છેલ્લા બે વર્ષથી રૂ. ૨,૦૦૦ના દરની ચલણી નોટો બદલવાની સેવા પૂરી પાડે છે.
૧૯ મે ૨૦૨૩ના આરબીઆઈએ રૂ. ૨૦૦૦ની નોટ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. આરબીઆઈ તેની ઈશ્યુ ઓફિસ પર વ્યક્તિઓ/સંસ્થાઓ પાસેથી રૂ. ૨૦૦૦ના દરની ચલણી નોટ સ્વીકારીને તેમના ખાતામાં તેટલી રકમ જમા કરી આપે છે.
આ ઉપરાંત દેશના કોઈપણ સ્થળેથી ઈન્ડિયા પોસ્ટ દ્વારા ટપાલ મારફતે પણ આરબીઆઈ ઈશ્યુ ઓફિસને રૂ. ૨૦૦૦ના દરની નોટ ખાતમાં જમા કરાવવા મોકલી શકાય છે.
આરબીઆઈની અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટણા અને તિરુવનંતપુરમમાં કચેરીમાં રૂ. ૨૦૦૦ના દરની નોટ પરત કરી શકાય છે.SS1MS