બેટિંગ, લોન એપ્સ પર નિયંત્રણ મુદ્દે સુપ્રીમે રાજ્યોનો મત માંગ્યો

નવી દિલ્હી, સમગ્ર દેશમાં બેટિંગ એપ્સને ગેરકાયદે જાહેર કરવા અને તેના પર પ્રતિબંધ મૂકવા સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી થઈ છે. અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારો ઉપરાંત આરબીઆઈ, ઈડી, ટ્રાયને નોટિસ ઈશ્યૂ કરી છે.
સરકારી સંસ્થાઓ ઉપરાંત સુપ્રીમ કોર્ટે ગૂગલ ઈન્ડિયા, એપ્પલ ઈન્ડિયા, ડ્રીમ ૧૧, એમપીએલ અને એ ૨૩ ગેમ્સ પાસે પણ ખુલાસો માગ્યો છે. ઓનલાઈન ગેમિંગ અને ફેન્ટસી સ્પોટ્ર્સ પર કડક નિયંત્રણો લાદવા અને કાયદાનું ચુસ્ત પાલન કરવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી થયેલી છે. જસ્ટિસ સૂર્યા કાંત અને જોયમાલા બાગચીની બેન્ચ સમક્ષ આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી.
જેમાં કોર્ટે તમામ રાજ્યોને સંબંધિત ચીફ સેક્રેટરી મારફતે નોટિસ ઈશ્યૂ કરી હતી. આ કેસની સુનાવણી ૧૮ ઓગસ્ટે થવાની શક્યતા છે. અરજદાર ડૉ. કે.એ. પૌલે રજૂઆત કરી હતી કે, ભારતમાં લાખો લોકોની સ્વતંત્રતા અને માનસિક સંતુલન જાળવવા ભારતમાં ગેરકાયદે બેટિંગ એપ્સ પર પ્રતિબંધ જરૂરી છે.
અરજીમાં માર્ચ ૨૦૨૫માં તેલંગાણા ખાતે ૨૫ સેલિબ્રિટીઝ સામે નોંધાયેલી ફરિયાદનો ઉલ્લેખ કરાયો હતો, જેમાં સેલિબ્રિટીઝે બેટિંગ એપ્સને પ્રમોટ કરી જનતાને ગેરમાર્ગે દોરવા બદલ ગુનો નોંધાયો હતો. બેટિંગ અને ગેમ્બલિંગ એપ પર નિયંત્રણનો મુખ્ય હેતુ છે.SS1MS