Western Times News

Gujarati News

પાંચમી ટેસ્ટમાં ભારતીય બોલર્સનો વળતો પ્રહાર

લંડન, મોહમ્મદ સિરાઝ અને પ્રસિદ્ધ ક્રિષ્ણાએ વેધક બોલિંગ કરતાં પ્રવાસી ભારતે અહીં રમાતી પાંચમી ક્રિકેટ ટેસ્ટમાં શુક્રવારે ઇંગ્લેન્ડ સામે વળતો પ્રહાર કર્યાે હતો. ભારતના ૨૨૪ રનના સ્કોર સામે એક સમયે ઇંગ્લેન્ડ જંગી સરસાઈ હાંસલ કરશે તેમ લાગતું હતું પરંતુ ઇંગ્લેન્ડ ૨૪૭ રન કરી શક્યું હતું. આમ તેને ૨૩ રનની નજીવી સરસાઈ મળી હતી.

જોકે ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડની પિચ જોતાં આગળ જતાં આ સરસાઈ મહત્વપૂર્ણ બની શકે તેમ છે. બીજા દિવસની રમતને અંતે ભારતે તેના બીજા દાવમાં બે વિકેટે ૭૫ રન કર્યા હતા. આમ તે હાલમાં બાવન રન આગળ છે અને તેની આઠ વિકેટ જમા છે.

બીજા દિવસની રમતને અંતે યશસ્વી જયસ્વાલ શાનદાર અડધી સદી ફટકારીને ૫૧ રન તથા નાઇટવોચમેન આકાશદીપ ચાર રન સાથે બેટિંગ કરી રહ્યા હતા.

ઓપનર કે. એલ. રાહુલ માત્ર સાત રન કરીને જોશ ટંગના બોલે આઉટ થઈ ગયો હતો. જ્યારે સાઈ સુદર્શન ૧૧ રનના સ્કોરે આઉટ થયો હતો.ભારતના ૨૨૪ રનના સ્કોર સામે રમતાં ઇંગ્લેન્ડે અત્યંત આક્રમક શરૂઆત કરી હતી પરંતુ એક સમયે તેની વિકેટ પડવાનો સિલસિલો શરૂ થયો ત્યાર બાદ મોહમ્મદ સિરાઝ અને આકાશદીપ સામે અંગ્રેજ ટીમ ધરાશાયી થઈ ગઈ હતી.ઝેક ક્રોલે અને બેન ડકેટે પહેલી વિકેટ માટે ૯૨ રન ઉમેર્યા બાદ ઇંગ્લેન્ડ માટે કોઈ મોટી ભાગીદારી જોવા મળી ન હતી. ક્રોલેએ ૫૭ બોલમાં ૧૪ ચોગ્ગા સાથે ૬૪ રન ફટકાર્યા હતા તો ડકેટ સાત રન માટે અડધી સદી ચૂકી ગયો હતો.

તેણે ૩૮ બોલની ઇનિંગ્સમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી. તેને પ્રસિદ્ધ ક્રિષ્ણાએ આઉટ કર્યાે હતો.દિવસના બીજા સત્રમાં સિરાઝ અને ક્રિષ્ણાએ શાનદાર બોલિંગ કરી હતી. ઓલિ પોપ ૨૨ અને જો રૂટ ૨૯ રન કરી શક્યા હતા.

બંનેને સિરાઝે આઉટ કર્યા હતા. જેકોબ બેથેલ, જેમી સ્મિથ અને જેમી ઓવર્ટન સસ્તામાં આઉટ થઈ જતાં એક સમયે ભારતને સરસાઈ મળે તેવી શક્યતા હતી પરંતુ હેરી બ્›કે અડધી સદી ફટકારીને આમ થવા દીધું ન હતું. બ્›કે છેલ્લા આઉટ થતાં અગાઉ ૬૪ બોલમાં ૫૩ રન ફટકાર્યા હતા. ભારત માટે મોહમ્મદ સિરાઝ અને પ્રસિદ્ધ ક્રિષ્ણાએ ચાર ચાર વિકેટ લીધી હતી.

અગાઉ ભારતે શુક્રવારે સવારે છ વિકેટે ૨૦૪ રનના સ્કોરથી તેની ઇનિંગ્સ આગળ ધપાવી હતી પરંતુ કમનસીબે પ્રથમ દિવસ જેવી લડાયક બેટિંગ જોવા મળી ન હતી. ભારત માત્ર પાંચ ઓવર ટકી શક્યું હતું અને તેમાં ય છેલ્લા છ રનમા તેણે બાકીની ચારેય વિકેટ ગુમાવી દીધી હતી.

ગસ એટકિન્સને શુક્રવારે સવારે માત્ર ૨.૪ ઓવરમાં જ બે રન આપીને ત્રણ વિકેટ ખેરવવાની સાથે આ ઇનિંગ્સમાં ૩૩ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.ગુરુવારે મક્કમ બેટિંગ કરનારો કરુણ નાયર તેના સ્કોરમાં પાંચ રન ઉમરીને ૫૭ રનના અંગત સ્કોરે આઉટ થયો હતો તો વોશિંગ્ટન સુંદર ૨૬ રન કરી શક્યો હતો. આકાશદીપ શૂન્ય પર અણનમ રહ્યો હતો તો પ્રસિદ્ધ ક્રિષ્ણા અને મોહમ્મદ સિરાઝ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ઇંગ્લેન્ડ માટે ગસ એટકિન્સને પાંચ વિકેટ લીધી હતી તો જોશ ટંગે ત્રણ અને ક્રિસ વોક્સે એક વિકેટ લીધી હતી.

ક્રિસ વોક્સ પ્રથમ દિવસની રમતના અંતિમ તબક્કા દરમિયાન નાયરને એક સ્ટ્રોકમાં બોલ રોકવા જતાં ઘાયલ થયો હતો અને તેના ખભા પર ગંભીર ઇજા પહોંચી હતી. આમ તે આ ટેસ્ટની બાકીની રમતમાંથી બહાર થઈ ગયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.