શાળાઓમાં AI, રોબોટિક્સ અને ડ્રોન ટેક્નોલોજીનું શિક્ષણ આપતી દેશની પ્રથમ મહાનગરપાલિકા બની સુરત મનપા

પ્રતિકાત્મક
સુરતની ૧૮ સુમન શાળાઓમાં મનપાનો પાઇલોટ પ્રોજેક્ટ ટેક એજ્યુકેશન માટેની પ્રેરક પહેલ
‘સુરતની સુમન શાળાના વિદ્યાર્થીઓ બની રહ્યા છે ટેક્નો-સ્ટાર્સ: સ્માર્ટ ક્લાસમાં મેળવે છે AI, ડ્રોન અને રોબોટિક્સ ટેકનોલોજીનું નોલેજ
રક્ષા ક્ષેત્રે, કૃષિ, હેલ્થકેર, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રોબોટિક્સ અને ડ્રોન ટેક્નોલોજીનો વિશેષ ઉપયોગ
૧૨ AI લેબ્સમાં ૧૧,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ટેક શિક્ષણ: 3D, AR/VR અને AI હવે અભ્યાસનો હિસ્સો
સુરત, આધુનિક સમય સાથે તાલ મિલાવી ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે નવા આયામો ઉમેરાઈ રહ્યા છે. નવી શિક્ષણ નીતિ અનુસાર રાજ્ય સરકારે સ્માર્ટ શિક્ષણને પ્રાધાન્ય આપી ટેક્નોલોજી અને ઈનોવેશનનો સમન્વય સાધી શાળાઓમાં સ્માર્ટ શિક્ષણને ગતિ આપી છે.
ગુજરાતના અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
મહાનગરપાલિકા સંચાલિત ધો.૯ થી ૧૨ સુમન માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્ય. શાળાઓમાં 3D, AR/VR, AI, રોબોટિક્સ અને ડ્રોન ટેક્નોલોજીનું સ્માર્ટ શિક્ષણ આપવા માટે જાન્યુઆરી-૨૦૨૫ થી પાયલોટ પ્રોજેક્ટ અમલી બનાવી AI, રોબોટીક્સ અને ડ્રોન ટેક્નોલોજીનું સ્માર્ટ શિક્ષણ આપતી દેશની પ્રથમ સુરત મહાનગરપાલિકા બની છે. જેમાં પ્રથમ તબક્કામાં સુરતની ૧૮ સુમન શાળાઓના સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીઓ AI, ડ્રોન અને રોબોટિક્સ ટેકનોલોજીનું નોલેજ મેળવી રહ્યા છે. ૧૨ AI લેબ્સમાં ૧૧,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ટેક શિક્ષણ મળી રહ્યું છે. 3D, AR/VR અને AI હવે તેમના નિયમિત અભ્યાસનો હિસ્સો બન્યો છે.
સુમન શાળાઓના ધો.૯ અને ૧૦ ના કિશોર વિદ્યાર્થીઓ હવે ફ્રન્ટ એન્ડ ડેવલોપમેન્ટ અને ડ્રોન એવિએશન વિષે જાણે છે. સરકારી શાળાઓના આ વિદ્યાર્થીઓ ડ્રોન ઉડાડે છે, રોબોટિક્સ લેબમાં પ્રેક્ટિકલ કરે છે અને AI જેવી અદ્યતન ટેક્નોલોજી શીખે છે. તેમના શાળાકીય અભ્યાસની સાથોસાથ ચાર વર્ષના કોર્ષ હેઠળ વિદ્યાર્થીઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, 3D ટેક્નોલોજી, ડ્રોન અને રોબોટિક્સ જેવા વિષયોને પણ રસપૂર્વક શીખી ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સજ્જ બની રહ્યા છે.
ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે સ્માર્ટ એજ્યુકેશન માત્ર ટ્રેન્ડ નહીં, પણ જરૂરિયાત છે એવી વાસ્તવિકતાને સ્વીકારી રાજ્ય સરકારે ‘શાળા એ નવી સંભાવનાઓનો ગેટવે’ છે એવા ધ્યેય સાથે ‘ટેક એજ્યુકેશન ફોર ઓલ’ અભિયાન શરૂ કર્યું છે. વર્ષ ૨૦૨૩માં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શિક્ષણ વિભાગના મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત રાજ્યભરમાં ૫૦,૩૦૦ સ્માર્ટ ક્લાસરૂમ્સ અને ૧૯,૬૦૦ આધુનિક કમ્પ્યૂટર લેબ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જેનાથી રાજ્યની શાળાઓ પણ સ્માર્ટ અને ઇનોવેટીવ શિક્ષણ માટે સજ્જ બની છે. આ જ દિશામાં પગલું ભરીને ધો. ૯થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ પણ આધુનિક અને વૈશ્વિક સ્તરે ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી આધારિત લેબ શરૂ કરવામાં આવી છે,
આ પહેલમાં મહત્વનું યોગદાન આપનાર મ્યુ. કમિશનરશ્રી શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ મધ્યમવર્ગીય પરિવારોના બાળકોને પરંપરાગત અભ્યાસ પૂરતા જ સીમિત ન રહેતા પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), 3D પ્રિન્ટીંગ, રોબોટિક્સ, એઆર/વીઆર (ઓગ્નેમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી) ટેક્નોલોજી અને ડ્રોન જેવી નવીન ટેક્નોલોજીનો જ્ઞાન અને અનુભવો પણ મળી રહે એવો રહેલો છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૧૮ સુમન શાળાઓમાંથી ૧૨માં AI લેબ્સનું લોકાર્પણ થયું હતું, જ્યાં ૧૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકના જ્ઞાન સાથે નિ:શુલ્ક ટેક્નિકલ શિક્ષણ આપવામાં આવી રહ્યું હોવાનું મહાનગરપાલિકા કમિશનર દ્વારા જણાવાયું હતું.
કમિશનરશ્રીએ અગ્રવાલે જણાવ્યું કે, સુમન શાળાના ઘણા વિદ્યાર્થીઓએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, જેમાં ૩૪ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે પસંદ કરવામાં આવ્યા છે, જે ખૂબ ગૌરવની વાત છે. આ પહેલનો વ્યાપક ઉદ્દેશ છે કે વિદ્યાર્થીઓને માત્ર જોબ સીકર નહીં, પરંતુ નવા યુગના ટેકનોલોજી-સેવી ઉદ્યોગસાહસિકો અને ઈનોવેટર્સ બની જોબ ગીવર પણ બને. સુરત જેવા ઝડપી વિકસતા શહેરમાં આ પ્રકારના કૌશલ્ય ધરાવતી નવી પેઢી શહેરના આર્થિક વિકાસમાં પણ યોગદાન આપશે.
સુમન હાઈસ્કૂલ નંબર-૬ના આચાર્ય મહેન્દ્રકુમારે જણાવ્યું હતું કે, ‘વિદ્યાર્થીઓને સ્માર્ટ ટેક્નિકલ શિક્ષણ મળે એવું ધ્યેય પાલિકાએ રાખ્યું છે. બાળકો હવે ટેક્નોલોજીનું પ્રાથમિક જ્ઞાન મેળવી રહ્યા છે અને આગળ વધીને પ્રોજેક્ટ આધારિત શિક્ષણથી પોતાનું ભવિષ્ય નિર્માણ કરશે. વધુમાં તેમણે કહ્યું કે, સુમન શાળાઓમાં હવે વિદ્યાર્થીઓ નિ:શુલ્ક નવીનતમ ટેક્નોલોજી શીખી રહ્યા છે. આ નવી પહેલ હેઠળ બાળકો વર્ચ્યુઅલ રિયાલિટીથી લઈને રોબોટ બનાવવાનો પ્રાયોગિક અનુભવ મેળવી રહ્યા છે. આ અભિગમ ખાસ કરીને મધ્યમ અને નબળા વર્ગના બાળકો માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ રહ્યો છે. આ આજની નહીં, ભવિષ્યની શિક્ષણ પ્રણાલી છે. અને આ ભવિષ્યનો દરવાજો હવે સરકારી શાળાઓમાંથી પણ ખુલ્યો છે.
વધુમાં આચાર્યએ કહ્યું કે, આ શાળાઓમાં અઠવાડિયામાં દરરોજ અલગ-અલગ લેક્ચરો થકી બાળકોને AI, ડિઝાઇન થિંકિંગ અને STEM આધારિત અભ્યાસક્રમ શીખવવામાં આવે છે. સમગ્ર દેશમાં સુરત મહાનગરપાલિકા એક માત્ર એવી પાલિકા છે જ્યાં સુમન શાળાઓમાં AI બેઝ્ડ માધ્ય. અને ઉચ્ચત્તર માધ્ય. શિક્ષણ અપાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓના ઉજ્જવળ કારર્કિદી માટે એઆઈ ટેક્નોલોજી ઘણો ફાયદો થશે.
નોંધનીય છે કે, ગત સપ્તાહે અડાજણના સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે મુખ્યમંત્રીની વિઝીટ દરમિયાન ઉધના વિસ્તારની સુમન હાઈસ્કૂલ નં.૬ના વિદ્યાર્થીઓએ પોતાના AI, 3D પ્રિન્ટર્સ, રોબોટિક્સ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. ગત મહિને દિલ્હીના શિક્ષણમંત્રીશ્રી આશિષ સૂદ પણ સુમન શાળાના સ્માર્ટ શિક્ષણથી પ્રભાવિત થયા હતા.
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ટેક્નોલોજીનો ઉપયોગ, મિશન‑ડ્રિવન અભ્યાસક્રમ અને કૌશલ્યવર્ધનના આભિગમ સાથે સુરત મનપાનું આ પરિવર્તનકારી શિક્ષણ મોડેલ પ્રેરણાદાયી છે. (ખાસ લેખ: મહેશ કથીરિયા)