Western Times News

Gujarati News

હમાસના કબજામાં રહેલા બંધકોનો વીડિયો વાયરલ

તેલ અવિવ, ગાઝામાં ઈઝરાયેલના બંધકો ગંભીર ભૂખમરાનો સામનો કરી રહ્યા હોવાનો એક વીડિયો વાયરલ થતા તેમને તાત્કાલિક મુક્ત કરાવવાની માંગ સાથે નેતન્યાહૂ સરકાર સામે યહૂદીઓએ આક્રોશ ઠાલવ્યો છે.

પેલેસ્ટેનિયન આતંકી સંગઠન હમાસે જાહેર કરેલા તાજેતરના એક વીડિયોમાં ઈઝરાયેલના બે બંધકો કુપોષણનો શિકાર થયેલા હોવાનું જોવા મળે છે. એક બંધકના પીઠમાંથી રીતસરના હાડકાં જોઈ શકાય છે. જ્યારે વીડિયોમાં બંધક પોતાની જ કબર ખોદી રહ્યો હોય તેવા વિચલિત કરનારા દ્રશ્યો પણ જોવા મળતા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને પણ આઘાત પહોંચાડ્યો હતો.

રવિવારે ઈઝરાયેલના પાટનગર તેલ અવિવ ખાતે સંખ્યાબંધ લોકોએ બંધકોને વહેલી તકે મુક્ત કરાવવા અને યુદ્ધનો અંત લાવવા અયાલોન હાઈવે પર ચક્કાજામ સાથે દેખાવો કર્યા હતા. ઈઝરાયેલના પીએમ કાર્યલાયે નિવેદનમાં જણાવ્યું કે, પીએમએ વાયરલ વીડિયોમાં જોવા મળતા બંને બંધકો રોમ બ્રાસલાવસ્કી અને એવયાતર ડાવીના પરિવારજનો સાથે વાતચીત કરી છે.

તમામ બંધકોને છોડાવવાના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં હમાસ તથા તેના સાથી ઈસ્લામિક જેહાદે ઈઝરાયેલના બે બંધકોના ત્રણ વીડિયો વાયરલ કર્યા હતા.

ગાઝાએ ૭ ઓક્ટોબર ૨૦૨૩ના કરેલા હુમલામાં ઈઝરાયેલના કેટલાક લોકોને બંધક બનાવ્યા હતા. આ વીડિયોમાં બ્રાસલાવસ્કી અને ડાવીને હમાસે જમીનની નીચે ટનલમાં બંધક બનાવી રાખ્યા હોવાનું જણાયું હતું.આ વીડિયોમાં ૨૧ વર્ષીય બ્રાસલાવસ્કી જે જર્મની તથા ઈઝરાયેલ બેવડું નાગરિત્વ ધરાવે છે તે તથા અન્ય બંધક ૨૪ વર્ષીય ડાવી બંને અત્યંત દુર્બળ જણાઈ રહ્યા છે. તેમના શરીર કુપોષિત હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે.

અન્ય એક દ્રશ્યમાં એવયાતર ડાવી કેમેરા સામે હાથમાં પાવડો લઈને જમીનમાં ખાડો ખોદતો દેખાય છે અને તે જણાવે છે કે, મારી કબર હું જાતે જ ખોદી રહ્યો છું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.