Western Times News

Gujarati News

મામાની ઘરે આવેલ ભાણિયાને રખડતા કૂતરાઓએ ફાડી ખાધો

પ્રતિકાત્મક

(એજન્સી)છોટાઉદેપુર, છોટાઉદેપુરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. બોડેલી તાલુકાના ધનપુર ખોસ વસાહત ખાતે એક બાળકને રખડતા શ્વાને ફાડી ખાધો. જેમાં બાળકનું મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બોડેલીના પાવીજેતપુરના રતનપુરમાં રહેતી ઉષાબેન તેના ૩ વર્ષના બાળક વંશ સાથે પિયર આવ્યા હતા.

ગઈકાલે સાંજના સમયે દીકરો વંશ મામાના ઘર પાસે રમી રહ્યો હતો. ત્યારે અચાનક રખડતા શ્વાને બાળક પર હુમલો કર્યો હતો. તેને ગળાના ભાગ પકડી દૂર સુધી લઈ ગયો હતા.

આ બાબતની લોકોને જાણ થતાં લોકોએ તેની શોધખોળ કરી હતી. જેમાં નર્મદાની મુખ્ય કેનાલ પાસેથી બાળક મળી આવ્યો હતો. જોકે, ઘટના સ્થળ પર બાળકનું મોત થયું હતું. બાળકનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે. બોડેલી પોલીસ ઘટના સાથે પહોંચી બાળકને પીએમ માટે બોડેલી ખસેડાયો હતો.

વિકાસશીલ ગુજરાતમાં જનતા અનેક સમસ્યાઓથી પીડિત છે, જેમાં એક કૂતરુ કરડવાની સમસ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ગુજરાત જ્યાં અનેક બાબતોમાં નંબર વન છે, તેમ શ્વાન કરડવાના કિસ્સાઓમાં પણ આગળ છે. શ્વાનના કરડવાના કેસમાં ગુજરાત ટોચના પાંચ રાજ્યોમાં સામેલ છે.

ગુજરાતમાં કૂતરુ કરડવાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજના ૭૦૦ થી વધુ કેસ આવી રહ્યા છે. ગુજરાતમાં કૂતરું કરડવાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દર વર્ષે કૂતરું કરડવાના ૨.૪૧ લાખથી વધુ કેસ આવી રહ્યાં છે. આવા ગુજરાતના અનેક શહેરોમાં અલગ અલગ કિસ્સા બને છે.

મેગા સિટી અમદાવાદમાં પણ કૂતરુ કરડવાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં એનિમલ બાઈટના ૨૦૨૩ થી ૨૦૨૫ સુધી ૨૯ હજાર જેટલા કેસ નોંધાયા છે. આ ઉપરાંત એનિમલ બાઈટના જે પણ કિસ્સા નોંધાયા છે, તેમાં ૯૫ ટકા ડોગબાઈટના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.