Western Times News

Gujarati News

22 કરોડનો ખર્ચે ધ્વનિ પ્રદુષણને ઓછુ કરવા અમદાવાદના 7 ફ્‌લાયઓવર પર સાઉન્ડ બેરીયર લગાવાશે

પ્રતિકાત્મક

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ,  શહેરીકરણની સાથે સાથે બહોળા પ્રમાણમાં વધતા જતા વાહન વ્યવહારને કારણે અમદાવાદ શહેરમાં ધ્વનિ પ્રદુષણનું પ્રમાણમાં અસામાન્ય વધારો થયો છે. શહેરના કુલ ધ્વનિ પ્રદુષણમાં ૭૦% જેટલો હિસ્સો વાહન વ્યવહાર એટલે કે ટ્રાન્સપોર્ટેશનનો હોવાથી ધ્વનિ પ્રદુષણને શક્ય તેટલુ ઓછુ કરવાના ભાગરૂપે ૭ ફ્‌લાયઓવર પર સાઉન્ડ બેરીયર લગાવવામાં આવશે. જેના માટે રૂ.૨૨ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં આવેલ જુદા જુદા હયાત ફ્‌લાયઓવર બ્રીજ (૧) સોનીની ચાલી બ્રીજ (૨) અંજલી બ્રીજ (૩) બોપલ બ્રીજ (૪) જીવરાજપાર્ક બ્રીજ (૫) આઈ.આઈ.એમ બ્રીજ (૬) ગુજરાત કોલેજ બ્રીજ (૭) રાણીપ ફ્‌લાય- ઓવર પર સાઉન્ડ બેરીયર લગાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.

શહેરમાં (૧) ઈન્કમટેક્ષ જંક્શન ફ્‌લાયઓવર બ્રીજ તથા (૨) ઠક્કરબાપાનગર ફ્‌લાયઓવર બ્રીજ પર ઉભા કરવામાં આવેલ સાઉન્ડ બેરીયરની કાર્યપ્રણાલીનાં અભ્યાસ આધારીત તેમજ ડિઝાઈન કન્સલ્ટન્ટશ્રી આઈઆઈટી રામ દ્વારા કરવામાં આવેલ સર્વે આધારીત સાઉન્ડ બેરીયરની ડીઝાઈન કરી સાત ફ્‌લાયઓવર પર પ્રાયોગિક ધોરણે સાઉન્ડ સાઉન્ડ બેરીયર લગાવવામાં આવશે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગ દાણી ના જણાવ્યા મુજબ સર્વે તારણોમાં સાત બ્રીજ પર જણાયેલ ધ્વનિની માત્રા સ્વિકૃત (૩૦ થી ૫૦ ડીબી) માત્રાથી વધુ હોઈ તેમાં વધુ ટ્રાન્સમિશન લોસ ઉભો થાય તે માટે પોલીકાર્બોનેટ કમ્પોઝીટ પેનલનો ઉપયોગ કરવાનું આયોજન કર્યું છે.સાઉન્ડ બેરીયર તરીકે જુદા જુદા બ્રીજો પર જરૂરીયાત મુજબ ૨.૦૦ મીટર તથા ૨.૫૦ મીટર ઉંચાઈની ૧૨૦ મી.મી. જાડાઈની પોલીકાર્બોનેટ કમ્પોઝીટ પેનલ લગાવવામાં આવશે.

સાઉન્ડ બેરીયર પર બીજા નંબરની પેનલ રીફલેક્ટર પેનલ લગાવવામાં આવશે, તેમજ જરૂરીયાત મુજબ ના બ્રીજો પર ટોપ લોકીંગ કેપ પેનલ લગાવવામાં આવશે. પોલીકાર્બોનેટ પેનલમાં ધ્વનિ શોષણ માટે વોટર રીપલેન્ટ રોકવુલનો ઉપયોગ કરવામાં આવશે.

આ પેનલ દર ૩ મીટર લંબાઈએ સ્ટ્રક્ચરલ સ્ટીલનાં બીમ સેક્શનને આર.સી.સી. ક્રેશ બેરીયર સ્ટ્રક્ચર પર એન્કર ફાસ્ટનર કરી ફીક્ષ કરવામાં આવશે. સાઉન્ડ બેરીયર સ્ટ્રક્ચરનો જીવનકાળ આશરે ૧૫ થી ૨૦ વર્ષ જેટલો રહે તેવી ધારણા રાખવામાં આવેલ છે. સાઉન્ડ બેરીયરની કામગીરીમાં કુલ ૬૦ માસનો ડિફેક્ટ લાયાબીલીટી પીરીયડ રાખવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.