ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ ધરાવતો દેશઃ ટ્રમ્પ

ટ્રમ્પે અગાઉ ભારત પર ૨૫% ટેરિફ અને પેનલ્ટીનો અમલ એક સપ્તાહ પાછો ઠેલ્યો હતો
રશિયાનું ઓઇલ ખરીદતા ભારત પર વધુ આકરો ટેરિફ ઝીંકાશેઃ ટ્રમ્પ
વોશિંગ્ટન, ભારત રશિયા પાસેથી વ્યાપક માત્રામાં ઓઈલની ખરીદી કરી રહ્યું હોવાથી અમેરિકા તેના પર નોંધપાત્ર ટેરિફ વધારો ઝીંકશે. ભારત અને રશિયા વચ્ચે વેપાર નિકટતાને લઈને યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભડક્યા હતા અને તેમણે સોમવારે આ નિવેદન કર્યું હતું. ભારત તેના ઘરેલુ વપરાશ માટેના ઓઈલના જથ્થા પૈકી મોટાભાગની આયાત રશિયા પાસેથી કરી રહ્યું છે. આ જ કારણથી રશિયા યુક્રેન સામે યુદ્ધમાં પીછેહઠ નથી કરી રહ્યું અને બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવાના અમેરિકાના અનેક પ્રયાસો વ્યર્થ નિવડી રહ્યા છે.
પરિણામે હવે અમેરિકા દબાણનું રાજકારણ કરી રહ્યું છે અને ભારત પર નોંધપાત્ર ટેરિફ વધારો ઝીંકવાની ચીમકી ટ્રમ્પે ઉચ્ચારી છે. ટ્રમ્પે જણાવ્યું કે, ભારત રશિયા પાસેથી મોટાપાયે ઓઈલ ખરીદીને તેના વેચાણ પર જંગી નફો રળી રહ્યું છે. તે માત્ર રશિયા પાસેથી ઓઈલનો વ્યાપક પુરવઠો ખરીદી રહ્યું છે એટલું જ નહીં પરંતુ ઓપન માર્કેટમાં તેનું વેચાણ પણ કરે છે. આમ ભારત નોંધપાત્ર નફો મેળવતું હોવાનો દાવો ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં કર્યાે હતો. રશિયા દ્વારા યુક્રેનમાં સંખ્યાબંધ લોકોની હત્યા કરાઈ રહી છે તેનાથી ભારતને કોઈ ચિંતા નથી. આ જ કારણથી હું ભારત પર નોંધપાત્ર ટેરિફ વધારો કરીશ. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ પોતાના નિવેદનોથી ગૂલાંટ મારવા માટે જાણીતા છે.
ગત સપ્તાહે તેમણે ભારત પર ૧લી ઓગસ્ટથી અમલમાં આવે તે રીતે ૨૫ ટકા ટેરિફ ઉપરાંત પેનલ્ટી લાગુ કરવાનો નિર્ણય જાહેર કર્યાે હતો. ત્યારબાદ ભારતે પોતાનો પક્ષ મજબૂત રીતે રજૂ કરતા વ્હાઇટહાઉસે એક સપ્તાહ માટે અમલ પાછળ ઠેલવ્યો હતો. ટ્રમ્પે ભારત અને રશિયાને ડેડ ઈકોનોમી તરીકે સંબોધતા બંને દેશો સાથે અર્થતંત્રનું પતન નોતરી શકે છે તેમ જણાવ્યું હતું. ભારતે વળતા જવાબમાં તે વિશ્વનું સૌથી ઝડપી વિકાસશીલ પ્રમુખ અર્થતંત્ર હોવાનો દાવો કર્યાે હતો. ભારતને મિત્ર ગણાવનાર ટ્રમ્પે તેની સાથે વેપારમાં અમેરિકા મોટી ખાધ ધરાવતું હોવાનો ઉલ્લેખ કર્યાે હતો. ભારતમાં ઊંચા ટેરિફને પગલે યુએસ ઘણો ઓછો વેપાર ધરાવે છે. ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ ધરાવતો દેશ હોવાનું ટ્રમ્પે કહ્યું હતું.ss1