Western Times News

Gujarati News

15મી ઓગસ્ટે લાલ કિલ્લા સંકુલમાં વડાપ્રધાનના સંબોધન સમયે કોઈ મોટી યોજના હતી 5 બાંગ્લાદેશીઓની?

AI Image

લાલ કિલ્લામાં ઘૂસવાનો પ્રયાસ કરતાં ૫ બાંગ્લાદેશીની ધરપકડ-અને ગેરકાયદે ઇમિગ્રન્ટ

(એજન્સી)નવીદિલ્હી, દિલ્હી પોલીસે ૧૫મી ઓગસ્ટ પહેલા લાલ કિલ્લા પરિસરમાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા પાંચ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ પાંચ બાંગ્લાદેશીઓ સોમવારે (ચોથી ઓગસ્ટ) લાલ કિલ્લા પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન સુરક્ષા માટે તહેનાત પોલીસકર્મીઓને શંકા ગઈ, ત્યારે તે બધાને કસ્ટડીમાં લેવામાં આવ્યા.

અહેવાલો અનુસાર, લાલ કિલ્લા પરિસરમાં બળજબરીથી પ્રવેશવા કરી રહેલા પાંચેય શખસો બાંગ્લાદેશના છે અને ગેરકાયદે ઇમિગ્રન્ટ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ બધા ૨૦થી ૨૫ વર્ષની વયના છે અને દિલ્હીમાં મજૂરી કામ કરે છે.

પોલીસે તેમની પાસેથી બાંગ્લાદેશના કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે. હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તે લાલ કિલ્લા પરિસરમાં કેમ પ્રવેશ કરી રહ્યા હતા અને તેમનો હેતુ શું હતો તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

૧૫મી ઓગસ્ટને લઈને લાલ કિલ્લા સંકુલમાં સુરક્ષા ખૂબ જ કડક છે. આ માટે અનેક પ્રકારની કવાયત પણ કરવામાં આવી રહી છે. ૧૫મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાના પ્રાચીર પરથી દેશને સંબોધન કરે છે. જેથી ઓગસ્ટ મહિનો શરૂ થતાં જ અહીં અનેક સ્તરોની સુરક્ષા ગોઠવી દેવામાં આવે છે.

જો આ સુરક્ષામાં કોઈ ક્ષતિ જોવા મળે છે, તો જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. જેથી પોલીસે લાલ કિલ્લામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા આ યુવાનોની તાત્કાલિક ધરપકડ કરી હતી.

બાંગ્લાદેશી નાગરિકોની ઘૂસણખોરીના આ કેસની સાથે લાલ કિલ્લાની સુરક્ષામાં ચૂકને લઈને મોટી કાર્યવાહી કરાઈ હતી. ૧૫મી ઓગસ્ટ માટે લાલ કિલ્લામાં દરરોજ અલગ અલગ સુરક્ષા કવાયત હાથ ધરવામાં આવે છે, જેમાં સુરક્ષા વ્યવસ્થા કેટલી મજબૂત છે તે જોવામાં આવે છે.

આ દરમિયાન જ્યારે સ્પેશિયલ સેલની ટીમ સિવિલ ડ્રેસમાં પહોંચી, તેમની બેગમાં એક ડમી બોમ્બ રાખ્યો અને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓ આમ કરવામાં સફળ રહ્યા. લાલ કિલ્લાની સુરક્ષામાં આ એક મોટી ભૂલ હતી, તેથી જ આ માટે જવાબદાર ૭ પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.