યુક્રેનમાં યુદ્ધવિરામની ડેડલાઇન પહેલા ટ્રમ્પના દૂતની પુતિન સાથે મુલાકાત

કીવ, યુક્રેનમાં યુદ્ધવિરામની રશિયા માટેની અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની શુક્રવારની ડેડલાઇન પહેલા બુધવારે ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફે મોસ્કોમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે બેઠક યોજાઈ હતી.
પુતિન અને વિટકોફ વચ્ચે આશરે ત્રણ કલાક સુધી બેઠક ચાલી હતી. અગાઉ ટ્રમ્પે ધમકી આપી હતી કે રશિયા શુક્રવાર સુધી યુક્રેન સાથે યુદ્ધવિરામ નહીં કરે તો અમેરિકા તેના પર આકરા આર્થિક પ્રતિબંધો લાદશે.પુતિનના વિદેશ બાબતોના સલાહકાર યુરી ઉષાકોવે જણાવ્યું હતું કે પુતિન અને વિટકોફ વચ્ચે ઉપયોગી અને રચનાત્મક વાતચીત થઈ હતી, જે યુક્રેનની કટોકટી પર કેન્દ્રિત હતી.
વોશિંગ્ટન અને મોસ્કો વચ્ચેના સંબંધો સુધારવા તથા યુએસ અને રશિયા વચ્ચે સહયોગના સંભવિત વિકાસની સંભાવનાઓ અંગે પણ ચર્ચાવિચારણા થઈ હતી.
આ બેઠક પછી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામની કોઇ સંમતિ સધાઈ હતી કે નહીં તે અંગેની વિગતો મળી ન હતી. તાજેતરમાં પણ રશિયા અને યુક્રેન વચ્ચે તથા અમેરિકા અને રશિયાના અધિકારીઓ વચ્ચે સીધી વાતચીતના ત્રણ રાઉન્ડ યોજાયા હતા, પરંતુ તેમાં યુદ્ધવિરામ સમજૂતી માટે કોઇ પ્રગતિ થઈ ન હતી. પુતિન માટે ટ્રમ્પની ડેડલાઇન શુક્રવારે પૂરી થાય છે.
વોશિંગ્ટને ધમકી આપી છે કે જો યુક્રેનમાં હત્યાકાંડ બંધ ન થાય તો આકરી ટેરિફ અને અન્ય આર્થિક દંડ ફટકારવામાં આવશે. ટ્રમ્પની આવી ધમકીઓ હોવા થતાં રશિયાએ મંગળવારથી બુધવાર સુધી રાત્રે યુક્રેનના દક્ષિણ ઝાપોરિઝ્ઝિયા પ્રદેશમાં હવાઇ હુમલા ચાલુ રાખ્યા હતા, જેમાં બે લોકોના મોત થયા હતા અને ૧૨ લોકો ઘાયલ થયા હતાં.SS1MS