ખોળામાં લેપટોપ તેમજ ખિસ્સામાં મોબાઈલથી પુરૂષોમાં વંધ્યત્વનું જોખમ

કોલકાતા, ટેન્કોલોજીના આધુનિક યુગમાં લોકોમાં વર્ક ળોમ હોમનો ટ્રેન્ડ વધ્યો છે ત્યારે લાંબો સમય ખોળામાં લેપટોપ રાખીને કામ કરવું તથા પેન્ટનાં ખિસ્સામાં મોબાઈલ રાખવો પુરૂષો માટે જોખમી હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે.
કલકત્તા યુનિવર્સિટીના ઝૂઓલોજી વિભાગના જિનેટિક રિસર્ચ એકમ અને ઈન્સ્ટિટ્યૂટ ઓફ રીપ્રોડક્ટિવ મેડિસિન (આઇઆરએમ) કોલકાતાના સંયુક્ત અભ્યાસમાં જણાયું કે, ઉપકરણોને લાંબા સમય સુધી શરીરની નજીક રાખનારા પુરૂષોમાં વંધ્યત્વનું જોખમ વધી જાય છે અને આ ટેવ નપુંસકતા પણ નોતરી શકે છે.
કલકત્તા યુનિવર્સિટીના પ્રોફેસર સુજય ઘોષે ડો. રત્ના ચટ્ટોપાધ્યાય (આઇઆરએમ), ડો. સમુદ્ર પાલ (સીયુ), ડો. પ્રણવ પાલધી (આઇઆરએમ) અને ડો. સૌરવ દત્તા (સીયુ)ના સહયોગથી ૨૦૧૯થી પાંચ વર્ષ માટે અભ્યાસ હાથ ધર્યાે હતો. આઇઆરએમમાં વંધ્યત્વની સારવાર માટે આવતા ૨૦-૪૦ વર્ષની વયજૂથના પુરૂષોને આ અભ્યાસમાં સામેલ કરાયા હતા.
અભ્યાસમાં ખાસ કરીને એઝોસ્પર્મિયા (વિર્યમાં શુક્રાણુનો અભાવ) કે ઓલિગોઝૂસ્પર્મિયા (ઓછા શુક્રાણુ) ધરાવતા પુરૂષોનો સમાવેશ કરાયો હતો. ઘોષે જણાવ્યું હતું કે, અભ્યાસમાં આશરે ૧,૨૦૦ દર્દીઓને સામેલ કર્યા હતા.
લોકોની જીવનશૈલી, ટેવ, વ્યસન, આહાર પસંદગી, સેક્સ્યુઅલ હિસ્ટ્રી, વ્યવસાય અને મનોવૈજ્ઞાનિક પરિબળો ધરાવતી વ્યાપક પ્રશ્નાવલી સાથે ઈન્ટરવ્યુ કરાયા હતા.
સહભાગીઓએ પોતાના વિર્ય અને લોહીના નમૂના પણ આપ્યા હતા. આ બંને સ્રોતમાંથી ડીએનએ કાઢવામાં આવ્યું અને બાદમાં ફેરફારની ઓળખ કરવા નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ કરાયું હતું.
અભ્યાસમાં સંખ્યાબંધ જિનેટિક ફેરફારોની ઓળખ થઈ હતી અને બાદમાં યોગ્ય આંકડાકિય મોડલની મદદથી રોગચાળા તથા જીવનશૈલીના ડેટાને આધારે વિશ્લેષણ કરાયું હતું. તારણ મુજબ ચોક્કસ જિનેટિક ફેરફાર ધરાવનારા પુરૂષોમાં વંધ્યત્વનું સૌથી ઊંચું જોખમ મળી આવ્યું હતું. આ લોકોના શરીરનો નીચેનો હિસ્સો લેપટોપ અને મોબાઈલ સહિતના ઈલેક્ટ્રિક ઉપકરણોના સતત સંપર્કમાં રહેતો હતો. ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો વપરાશ સમજદારીપૂર્વક કરવો જોઈએ તેમ ઘોષે ઉમેર્યું હતું.SS1MS