Western Times News

Gujarati News

બુમરાહ વિનાની સફળતા યોગાનુયોગ છે, તેની ક્ષમતા નિર્વિવાદ છેઃ સચિન

મુંબઈ, ઇંગ્લેન્ડના પ્રવાસમાં સોમવારે ઓવલ ખાતેની પાંચમી ક્રિકેટ ટેસ્ટ જીતીને શુભમન ગિલની ટીમે સિરીઝ ૨-૨થી ડ્રો કરાવી હતી અને યોગાનુયોગે આ બંને વિજયમાં ટીમનો આધારભૂત ઝડપી બોલર જસપ્રિત બુમરાહ રમી શક્યો ન હતો.

ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે આ મુદ્દે જસપ્રિત બુમરાહની તરફેણ કરી છે. તેણે જણાવ્યું હતું કે મારું માનવું છે કે ઇંગ્લેન્ડમાં ભારતે બુમરાહ વિના બે ટેસ્ટ જીતી તે યોગાનુયોગ છે પરંતુ જસપ્રિત બુમરાહની ગુણવત્તા નિર્વિવાદ અને અસામાન્ય છે.

બુમરાહની ક્ષમતા હજી પણ એવી જ છે અને તેના વિના એકાદ બે ટેસ્ટ જીતી શકાય પરંતુ તે હજી પણ ભારતનો સર્વશ્રેષ્ઠ બોલર છે અને તેની ક્ષમતા અંગે સવાલ કરી શકાય નહીં તેમ સચિને સંકેત આપ્યા હતા. જસપ્રિત બુમરાહ પાંચ ટેસ્ટની સિરીઝમાંથી અગાઉ નક્કી થયા મુજબ તેના વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને બે ટેસ્ટ રમ્યો ન હતો.

તેણે બાકી રહેલી ત્રણ ટેસ્ટમાં બે વાર પાંચ વિકેટની સિદ્ધિ હાંસલ કરીને ૧૪ વિકેટ ઝડપી હતી. જોકે ઓવલ ખાતે તેની ખાસ જરૂર હતી ત્યારે તે રમ્યો ન હતો જેમાં મોહમ્મદ સિરાઝે પાંચ વિકેટ ઝડપીને ભારતને યાદગાર વિજય અપાવ્યો હતો જેના થકી ગિલની ટીમ સિરીઝ ડ્રો કરી શકી હતી.સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે ભારતે એજબસ્ટન અને ઓવલ એમ બે ટેસ્ટ જીતી હતી જેમાં બુમરાહ ન હતો તે ફક્ત યોગાનુયોગ છે.

પરંતુ તે જે ટેસ્ટ રમ્યો છે તેમાં તેના યોગદાનની ગણતરી કરવી જોઇએ. તેણે લીડ્‌ઝ ખાતેની પહેલી ટેસ્ટમાં પાંચ વિકેટ ખેરવી હતી. તે બીજી ટેસ્ટ રમ્યો ન હતો પરંતુ ત્યાર બાદ બે ટેસ્ટમાં રમીને તેણે ફરીથી પોતાનું મહત્વ પુરવાર કરી દીધું હતું અને તેમાં પણ એક ટેસ્ટમાં તેણે પાંચ વિકેટ લીધી હતી.હું જાણું છું કે લોકો એ મેચની જ વાત કરશે જેમાં બુમરાહ રમ્યો ન હતો પરંતુ તે રમ્યો તેમાં તેના યોગદાનને ભૂલી શકાય નહીં અને તે જેમાં રમ્યો નહીં તેમાં ભારત જીત્યું તે માત્ર યોગાનુયોગ હોઈ શકે છે તેમ સચિને ઉમેર્યું હતું.

પોતાના સમયમાં વિશ્વના સૌથી ખતરનાક અને મહાન ઝડપી બોલર સામે રમી ચૂકેલા અને સદીઓ ફટકારનારા સચિન તેંડુલકરે વધુમાં જણાવ્યું હતું કે બુમરાહની ગુણવત્તા અસામાન્ય છે. તે શું કરી શકે છે અને કેવી ક્ષમતા ધરાવે છે તે અકલ્પનીય છે. તેની બોલિંગમાં સાતત્ય છે અને સતત શાનદાર બોલિંગ કરી રહ્યો છે તેમાં શંકા નથી.

હાલના સંજોગોમાં પણ હું તેને અન્ય તમામ કરતાં મોખરાના સ્થાને જ રાખીશ. ઇંગ્લેન્ડ સામેની પાંચેય ટેસ્ટમાં રમીને ૧૮૫.૩ ઓવર બોલિંગ કરનારા સિરાઝે ૨૩ વિકેટ ઝડપી હતી પરંતુ ત્યાર બાદ ત્રણ ટેસ્ટ રમ્યો હોવા છતાં બુમરાહ ૧૪ વિકેટ સાથે બીજા ક્રમે રહ્યો હતો.

સમગ્ર કારકિર્દીની વાત કરીએ તો સિરાઝની સરખામણીએ બુમરાહ ઘણો આગળ છે કેમ કે સિરાઝની ૪૧ ટેસ્ટમાં ૧૨૩ વિકેટની સામે બુમરાહે ૪૮ ટેસ્ટમાં ૨૧૯ વિકેટ ઝડપી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.