સ્ટાર ખેલાડીઓની મેચ રમવાની મનમાની હવેથી બોર્ડ ચલાવી લેશે નહીં

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના ચીફ કોચ ગૌતમ ગંભીર અને પસંદગી સમિતિના ચેરમેન અજિત અગરકર હંમેશાં ટીમમાં પ્રવર્તતા સ્ટાર કલ્ચરની વિરુદ્ધમાં હતા પરંતુ તાજેતરમાં ઇંગ્લેન્ડના લાંબા પ્રવાસ દરમિયાન જે રીતે મોહમ્મદ સિરાઝે બોલિંગ કરીને ટીમને સફળતા અપાવી તે જોતાં ગૌતમ ગંભીરને તેના વિચારોને અમલી બનાવવાની તક સાંપડી છે.
શક્ય છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ હવેથી કોઈ ખેલાડીને કઈ મેચમાં રમવું અને કઈ મેચમાં ન રમવું તેવી મનમાની કરવા દેશે નહીં.ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટની સિરીઝમાં શુભમન ગિલની ટીમે શાનદાર પ્રદર્શન કરીને સિરીઝ ૨-૨થી ડ્રો કરી તેનાથી ચોક્કસપણે ગંભીર અને અગરકરને ટીમ પર આ પ્રકારનો નિયમ લાગું કરવાની સત્તા આપી દીધી છે.
તેઓ ટીમમાં એક સમાન વાતાવરણ લાવવાનો આદેશ આપી શકે છે કે તાજેતરના વર્ષાેમાં જે જોવા મળ્યું હતું તે હવે જોવા નહીં મળે જેમ કે કોઈ ખેલાડીને અન્ય કરતાં વધુ મહત્વ આપીને તેને મેચ રમવાની પસંદગી કરવા દેવાતી હતી તે હવે નહીં ચાલે. આમ હવે આરામ કરવાના કારણસર કોઈ ખેલાડી એકાદ મેચ કે સિરીઝમાંથી જાતે ખસી જતો જોવા મળે નહીં તેમ બની શકે છે.
એમ મનાય છે કે પસંદગી સમિતિ, ગૌતમ ગંભીર અને બીસીસીઆઈના કેટલાક ટોચના નિર્ણયકર્તાઓ આ મામલે સહમતી ધરાવે છે. તેઓ વર્કલોડ મેનેજમેન્ટના નામે ખેલાડીને કઈ મેચમાં રમવું કે નહીં તેની પસંદગી કરવા દેશે નહીં.
બીસીસીઆઈના એક અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે મેનેજમેન્ટ વચ્ચે આ મુદ્દે ચર્ચા થઈ છે અને તમામ ફોર્મેટમાં નિયમિત રમતાં તથા બોર્ડના કરારબદ્ધ ખેલાડીઓને એક સંદેશ પાઠવી દેવાયો છે કે નજીકના ભવિષ્યમાં આ પ્રકારે તેઓ મેચની પસંદગી કરી શકશે નહીં.
જોકે તેનો અર્થ એ પણ નથી કે વર્કલોડ મેનેજમેન્ટના પરિબળને જ દૂર કરી દેવાશે. દેખીતી રીતે જ ઝડપી બોલરના કાર્યબોજને મેનજ કરવાની જરૂર છે પરંતુ વર્કલોડના નામે ખેલાડી મહત્વની મેચમાંથી ખસી જાય તે શક્ય નહીં બને તેમ તેમણે ઉમેર્યું હતું.મોહમ્મદ સિરાઝે ઇંગ્લેન્ડના પ્રવાસમાં પાંચ ટેસ્ટમા ૧૮૫.૩ ઓવર ફેંકી હતી. આ ઉપરાંત તેણે છેલ્લા છ સપ્તાહ દરમિયાન નેટ્સમાં પણ બોલિંગ કરી હતી અને તેમ છતાં અન્ય તમામ માટે તેની ફિટનેસ ઉદાહરણરૂપ બની રહી છે.
સિરાઝ આ સિરીઝમાં શાનદાર રીતે સફળ રહ્યો છે. તે આ પાંચ મેચમાં ભારતનો મહત્વપૂર્ણ બોલર બની રહ્યો હતો જેણે ટીમને સફળતા અપાવી હોય.સિરાઝ, પ્રસિદ્ધ ક્રિષ્ણા અને આકાશદીપે પુરવાર કરી દીધું છે કે મોટામાં મોટા સ્ટાર પણ અયોગ્ય છે અને ટીમથી વિશેષ બીજું કાંઈ નથી.
ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરે તો એટલે સુધી કહ્યું હતું કે ઓવલ ખાતેની પાંચમી ટેસ્ટમાં સિરાઝના પ્રદર્શનથી ભારતીય ક્રિકેટમાંથી હવે વર્કલોડ મેનેજમેન્ટ શબ્દ જ નીકળી જશે.
ઇંગ્લેન્ડનું જ ઉદાહરણ લઈએ તો તેના કેપ્ટન બેન સ્ટોક્સે બોલિંગમાં પોતાની સંખ્યાબંધ સમસ્યા હોવા છતાં ચોથી ટેસ્ટના અંતિમ સત્ર સુધી મેરેથોન સ્પેલ ફેંક્યો હતો. સુનીલ ગાવસ્કરે તો એટલે સુધી કહ્યું હતું કે જ્યારે તમે દેશ માટે રમતા હો ત્યારે તમારે તમારી અંગત ઇજા કે સમસ્યાઓને દૂર રાખી દેવી જોઇએ જે રીતે સરહદ પર જવાન કોઈ ફરિયાદ વિના થાક્યા વિના દેશનું રક્ષણ કરતો હોય છે તે જ રીતે તમે દેશ માટે રમો છો. રિશભ પંતે ઘાયલ હોવા છતાં ટીમને જરૂર હતી ત્યારે બેટિંગ કરી જ હતી.SS1MS