મ્યુનિ. વોટર-ડ્રેનેજ વિભાગમાં ૬૩ અધિકારીઓની જગ્યા ખોલવામાં આવી

AI Image
દરેક ઝોનમાં બે એડીશનલ ઈજનેર રહેશે: દેવાંગ દાણી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વસ્તી અને વિસ્તાર સતત વધી રહયા છે જેના કારણે નાગરિકોને ડ્રેનેજ, પાણી, રોડ રસ્તા જેવી સુવિધાઓ આપવાની રહે છે.
મ્યુનિ. કોર્પોરેશનમાં હાલ ઈજનેર વિભાગમાં સ્ટાફની અછત હોવાથી આવી પ્રાથમિક સુવિધાઓ પૂર્ણ કરવામાં વિલંબ થાય છે જેને કારણે નાગરિકો ત્રાહિમામ થતાં હોય છે અને મ્યુનિ. વહીવટી તંત્ર તથા સત્તાધારી પક્ષની સામે પણ આંગળી ચીંધાતી રહે છે.
આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે આશયથી કોર્પોરેશનમાં પાણી-ડ્રેનેજ વિભાગમાં જુદી જુદી કક્ષાએ કુલ ૬૩ અધિકારીઓને ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ નાગરિકોની મુખ્ય ફરિયાદો પાણી અને ગટર વિભાગને લગતી હોય છે. આ સેવાઓ ત્વરિત મળી રહે તે માટે જુદા જુદાની ૬૩ જગ્યાઓ ખોલવામાં આવી છે.
જેમાં એડીશનલ સીટી ઈજનેર કક્ષાના – ૦૭, ડેપ્યુટી સીટી ઈજનેર-૦૭, આસિ. સીટી ઈજનેર-૦૭, આસિ. ઈજનેર-૧૪, અને ટેકનીકલ સુપરવાઈઝર કક્ષાના ર૮ અધિકારીઓની ભરતી કરવામાં આવશે. ઝોન કક્ષાએ બે એડીશનલ ઈજનેર રહેશે જે પૈકી એક એડીશનલ ઈજનેર રોડ અને બિલ્ડીંગ પ્રોજેકટ સંભાળશે જયારે બીજા ઈજનેર માત્ર પાણી અને ડ્રેનેજ વિભાગ સંભાળશે.
અમદાવાદ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં વર્ષો જુની ડ્રેનેજ તથા સ્ટોર્મ વોટર લાઈનોના મજબુતાઈમાં તથા વહનક્ષમતા વધારવા માટે રૂ.પ૯૧.૬૮ કરોડના ખર્ચે અંદાજે ૪૧ કિ.મી લંબાઈમાં ડ્રેનેજ તથા સ્ટોર્મ વોટર લાઈનોના રી-હેબીલીટેશનની કામગીરી પ્રગતિમાં છે.
જે અંતર્ગત ર૦ર૪-રપ વર્ષમાં ર૦ કિ.મી લંબાઈમાં રીહેબીલીટેશનની કામગીરી પૂર્ણ કરેલ છે, તથા ૧૩.૦૦ કી.મી. લંબાઈમાં રીહેબીલીટેશનના કામો ટેન્ડર પ્રોસેસમાં છે. જેની કામગીરી ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે.
વર્ષ ર૦રપ-ર૬ માં આશરે રૂ.૧૦૦૦ કરોડના ખર્ચે આશરે પ૦થી વધુ કી.મી. લંબાઈમાં ડ્રેનેજ તથા સ્ટોર્મ વોટર લાઈન રીહેબીલીટેશન કરવાની કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે. સદર રીહેબીલીટેશનની કામગીરી થવાથી અમદાવાદ શહેરમાં વર્ષો જુની ડ્રેનેજ તથા સ્ટોર્મ વોટર લાઈનોની વહનક્ષમતામાં વધારો થશે તથા તેની મજબુતાઈમાં પણ વધારો થશે જેનાથી લાઈનો ઉપર બ્રેકડાઉન પડવાની સમસ્યામાં ઘટાડો થશે.