Western Times News

Gujarati News

શિક્ષણ મંત્રાલયે કેન્ટીનમાં ‘નો ઓઈલ, નો શુગર’ પોલિસી PM મોદીની અપીલ બાદ લાગુ કરી

નવી દિલ્હી,  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલની અસર હવે મંત્રાલયોની કેન્ટીન પર જોવા મળી રહી છે. શાસ્ત્રી ભવનમાં આવેલ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની કેન્ટીનમાં હવે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અહીં હવે સમોસા, પકોડા, જલેબી કે પછી બીજી કોઈપણ તેલયુક્ત અને મીઠી ખાદ્યવસ્તું મળશે નહીં. તેને બદલે હવે અહીં એવી ખાદ્યવસ્તું મળશે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય. education ministry no oil no sugar policy in canteen

આ નિર્ણય અચાનક લેવાયો નથી. થોડા સમય પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આપણે આપણી ખાણીપીણીની આદતોમાં ફેરફાર લાવવો જોઈએ, ખાસ કરીને એવા લોકો માટે જેઓ ઓફિસમાં લાંબા સમય સુધી કામ કરે છે અને શારીરિક રીતે વધુ એક્ટિવ રહેતા નથી.

પીએમ મોદીની આ સલાહને ગંભીરતાથી લઈને શિક્ષણ મંત્રાલયે પોતાની કેન્ટીનમાં મોટું પગલું ભર્યું છે. હવે ત્યાં જે ખાદ્ય વસ્તુઓ મળશે, તેમાં તેલ અને ખાંડ નહીં હોય. આને ‘નો શુગર, નો ઓઈલ’ પોલિસી કહેવામાં આવી છે.

હવે કેન્ટીનમાં દરરોજનું મેનૂ અગાઉથી નક્કી કરવામાં આવશે અને તેમાં ફક્ત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ખાદ્યપદાર્થો જ મળશે. ઉદાહરણ તરીકે, ૭ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ કેન્ટીનમાં જે વસ્તુ બનાવવામાં આવી છે, તે નીચે મુજબ છે.
– સવારના નાસ્તામાંઃ પૌઆ, લોબિયા ચાટ, ચણા ચાટ અને ફ્રૂટ ચાટ.
– બપોરના જમવામાંઃ છોલે, ભાત, રાયતા અને સલાડ.
– સાંજના નાસ્તામાંઃ ફ્રૂટ ચાટ અને ભેળપૂરી.

મંત્રાલયનું કહેવું છે કે, જો કેન્ટીનમાં જ તળેલું અને મીઠી વસ્તુઓ નહીં મળે, તો લોકો તે ખાશે જ નહીં. આનાથી તેમની આદતો બદલાશે અને ધીમે ધીમે સ્વાસ્થ્યમાં સુધારો થશે. ઓફિસમાં કામ કરતા લોકો કલાકો સુધી કોમ્પ્યુટર સામે બેસે છે, તેમની શારીરિક મૂવમેન્ટ ઘણી ઓછી હોય છે.

આવી સ્થિતિમાં જો તેઓ વારંવાર વધારે તેલવાળી વસ્તુઓ ખાશે, તો સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદય સંબંધી બીમારીઓનું જોખમ વધે છે. આથી હવે એવી વસ્તુઓ પીરસવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે પૌષ્ટિક હોય અને સરળતાથી પચી જાય તેવી હોય.

શિક્ષણ મંત્રાલયને આશા છે કે જ્યારે અન્ય મંત્રાલયો અને સરકારી વિભાગો આ ફેરફાર જોશે, તો તેઓ પણ પોતાની કેન્ટીનમાં આવી જ વસ્તુઓ પીરસવાનું શરૂ કરશે. ખાસ કરીને એવી સંસ્થાઓમાં જ્યાં મોટી સંખ્યામાં કર્મચારીઓ દરરોજ જમે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.