Western Times News

Gujarati News

ખારીકટ કેનાલને સીલ મારી બંધ કરાયેલા રસ્તા સામે એક રસ્તો ખુલ્લો કરતા પ્રજાએ રાહતનો દમ લીધો !!

“વેસ્ટર્ન ટાઈમ્સના અહેવાલનો પડઘો” -નરોડા કઠવાડા રોડ ખારીકટ કેનાલને સીલ મારી બંધ કરાયેલા રસ્તા સામે મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાની અને અન્ય પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆત બાદ એક રસ્તો ખુલ્લો કરતા પ્રજાએ રાહતનો દમ લીધો !!

જે કામ નરોડાના કોર્પાેરેટરોએ ના કર્યુ એ કામ ધારાસભ્યોએ કર્યુ ?!

તસ્વીર વેસ્ટર્ન ટાઈમ્સ અખબારે ખારીકટ કેનાલ પાસે રાતો રાત રસ્તા સીલ કરાયા પછી ઉદ્દભવેલી સમસ્યાની તસ્વીરો સાથે વાચા આપ્યા પછી અને રજૂઆત કર્યા પછી મ્યુનિ. કોર્પાેરેશનના મ્યુનિ. કમિશ્નર શ્રી બંછાનીધિ પાની સહિત કેટલાક અધિકારીઓએ જરૂરી આદેશ આપ્યા પછી રસ્તો ચાલુ કરાયો છે !

એટલું જ નહીં એલીસબ્રીજના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ તથા કોંગ્રેસના ધારાસભ્ય શ્રી અમૃતભઈ ઠાકોરની ઉચ્ચ કક્ષાએ રજુઆત કર્યા પછી એક બાજુનો રસ્તનો ખોલતા લોકાને ૭૦% સમસ્યા હલ થઈ છે !

પરંતુ હવે ખારીકટ કેનાલનું બાકીનું કામ યુદ્ધના ધારણે શરૂ કરવાની જરૂર છે ! કારણ કે વરસાદી પાણીનો નિકાલ પુરઝડપે થતો નથી વધારે વરસાદ પડે છે ત્યારે વરસાદી પાણી શ્રેયાંસનાથ પ્રભુ નરોડા કો.ઓ.હા.સો.લી., વ્યાસવાડી પાસેની લાઈનો બેક મારે છે ! ડાહ્યાલાલ પાર્ક ! મણીલાલ પાર્ક જેવી અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાય છે !

ત્યારે તેનો યોગ્ય નિકાલ થાય એ જરૂરી છે ! તસ્વીરમાં વેસ્ટર્ન ટાઈમ્સ અખબારના અહેવાલ પછી કામચલાઉ ચાલુ કરાયેલા રસ્તાની બોલતી તસ્વીર છે ! જયારે બીજી તસ્વીર વરસાદી પાણીના ઝડપી નિકાલ ન થતાં સર્જાયેલી સમસ્યાની છે ! હવે નરોડાના લોકોએ જાગૃત થવાની જરૂર છે !

મ્યુનિ. કોર્પાેરેશનના સમક્ષ રજૂઆત કરવાની હિંમત અને સમય ફાળવવાની જરૂર છે અને અધિકારીઓએ હાઈકોર્ટના આદેશ વગર પોતાનું કર્તવ્ય નિભાવવાની જરૂર છે !

કારણ કે પગાર ! ભથ્થાં લેનારા કોર્પાેરેટરો તો ચૂંટણી આવે ત્યારે ટિકીટો લેવા નીકળી જાગૃત થાય છે ?! પણ કોન્ટ્રાકટરો સાથે કામ કેવી રીતે લેવું એ મ્યુનિ. કમિશ્નરશ્રી તથા ડે. મ્યુનિ. કમિશ્નરશ્રીએ જોવાની જરૂર છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)

ગ્રીક તત્વચિંતક અને વૈજ્ઞાનિક એરીસ્ટોટલે કહ્યું છે કે, “રાજય ચલાવવા માટે સારા કાયદા એટલા જરૂરી નથી જેટલા સારા અધિકારીઓની જરૂર છે”!! જયારે અમેરિકાના સોલીસીટર જનરલ રોબર્ટ જેકસન કહે છે કે, “ભુલોમાંથી નાગરિકોને બહાર કાઢવા એ સરકારનું કામ નથી, સરકાર ભુલ કરે તો તેને ખાડામાંથી ઉગારવાનું કાર્ય નાગરિકોનું છે”!!

સરકારના અમલદારો કે મ્યુનિ. કોર્પાેરેશનના અધિકારીઓ તેના કોન્ટ્રાકટરો ભુલો કરે ત્યારે તેવા સમયે લોકોએ જાગૃતિ દાખવીને ત્વરીત સરકારનું કે મ્યુનિ. અધિકારીશ્રીઓનું ધ્યાન દોરી રજૂઆત કરવાનું કામ “નાગરિકો”નું છે !

પણ ભારતમાં આવી નિર્ણાયક અને વિચારશીલ, જાગૃત આઝાદીના ૭૬ વર્ષ પછી પણ ઘણી જગ્યાએ જોવા મળતી નથી ! ભારતના “અખબારો” અને “અદાલતો” આ કામ આજે કરે છે ! છતાં કયારેક લોકો જાગૃત થતાં નથી !

પરિણામે અમદાવાદમાં મ્યુનિ. કોર્પાેરેશનની સમસ્યાઓ વધતી જાય છે ! મતદાન વખતે પણ લોકોમાં જાગૃતિનો અભાવ હોય છે ! પરિણામે નરોડામાં મ્યુનિ. કોર્પાેરેશનને લગતી સમસ્યાઓનો ઉકેલ ઝડપથી આવતો નથી !

વેસ્ટર્ન ટાઈમ્સ અખબારે નરોડા ખારીકટ કેનાલ પાસેના રસ્તા સીલ કરી દેવાયા પછી ટ્રાફિક સમસ્યા વધતા લોકોના પ્રાણ પ્રશ્નોને તસ્વીરો સાથે વાચા આપ્યા પછી મ્યુનિ. કમિશ્નરશ્રી બંછાનિધિ પાની અને અન્યોએ યોગ્ય પગલાના આદેશ આપતા નરોડા કઠવાડા રોડ ખારીકટ કેનાલ પાસેનો સીલ કરાયેલો રસ્તો યુદ્ધના ધોરણે ખોલી કામચલાઉ રસ્તો પણ બનાવતા ઘણી મોટી સમસ્યા હલ થઈ હોવાનું લોકો બોલતા થયા છે !

ગુજરાત હાઈકોર્ટ મ્યુનિ. કોર્પાેરેશનના અધિકારીઓને બોલાવી બોલાવી કડક સૂચનાઓ અને આદેશ આપ્યા પછી જ અનેક પ્રશ્નો હલ થયા છે ! ત્યારે ચૂંટાયેલા મ્યુનિ. કોર્પાેરેટરો કેમ કાંઈ કરતા નથી ?!

અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલીન રૂઝવેલ્ટ કહે છે કે, “માનવી શક્તિ આગળ ઝુકીને ગુલામ નથી બનતા, અને લોકોનું માનસ જ ગુલામ હોય છે”!! ગુજરાતીઓ માટે પહેલા કહેવાતું હતું કે, ગુજરાતની જનતા એ ખમીરવંતી પ્રજા છે ! આજે કથિત ધર્મવાદ અને રાજકીય સમજના કથિત અભાવને લઈને લોકો મારે શું એવી માનસિક કથિત હતાશામાં ગરકાવ છે ! તેને લઈને આજે ગુજરાતમાં ભ્રષ્ટાચારે માજા મુકી છે ! ડ્રગ્સ અને દારૂ તરફ ગુવાનોએ દોટ કાઢતા નજરે પડે છે ! લોકો નૈતિક નહીં ભૌતિક વિકાસથી આકર્ષાયા છે !

પરિણામે ગુજરાતમાં નૈતિકતાનું અદ્યઃપતન થાય છે, કાયદાનું શાસન ખંડિત થઈ રહ્યું છે ! ત્યારે તેની સામે કેટલાક જાગૃત અખબારો અને ગુજરાત હાઈકોર્ટ વધુ સક્રીય ભૂમિકામાં દેખાય છે ! ગુજરાત હાઈકોર્ટે અનેકવાર સુઓમોટો રીટ પીટીશન દાખલ કરી સરકારી અધિકારીઓ, મ્યુનિ. કોર્પાેરેશનના અધિકારીઓને ઝાટકી નાંખ્યા છે ?!

છતાં કેટલાક જાડી ચામડીના અધિકારીઓ કોર્ટ સમક્ષ સુફીયાણી વાતો કરી પલાયન થઈ જઈ પગલા ન લેતાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશોએ કન્ટેમ્પ્ટ પીટીશન દાખલ કરવાની ચેતવણી આપ્યા પછી સરકારી અધિકારીઓ કે મ્યુનિ. અધિકારીઓ એકશનમાં આવ્યા છે તો પ્રજા વિચારે કે શું બધું ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશોએ કરવાનું છે ?! પછી અદાલતો પર કેટલું ભારણ વધશે ? પછી ન્યાય ઝડપથી કઈ રીતે મળશે ?! એવા ઉમેદવારોને લોકો ના ચૂંટે જે રાજકારણને વ્યવસાય માની ચાલતા ન હોય ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.