મોરબીમાં ટ્રિપલ અકસ્માતમાં: ચારના મોત

મોરબી, મોરબીના માળિયામાં સુરજબારી ટોલનાકા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ૪ લોકોના મોત થયા છે. અહીં અકસ્માતમાં બે ટ્રક અને અર્ટિગા કાર અથડાઈ હતી. વાહન અથડાતાની સાથે જ ભયાનક આગ લાગી હતી જેમાં ઘટનાસ્થળે જ ૪ લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોમાં ટ્રક ડ્રાઇવર અને ક્લિનર સહિત કારમાં સવાર બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
જોકે, કારમાં સવાર પાંચ બાળકો સહિત સાત ફસાયેલો લોકોને સુરક્ષિત બહાર કાઢી બચાવી લેવાયા હતા. હાલ, તમામ ઈજાગ્રસ્તોની સામખિયાળી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી અનુસાર, માળિયા સૂરજબારી પુલ પર એક કન્ટેનર પલટી મારી ગયું હતું. જેથી પાછળ આવતી ટ્રકે લેન બદલવાનો પ્રયાસ કર્યાે, આ દરમિયાન પાછળ આવતી કાર ટ્રક સાથે અથડાતા બંને વાહનોમાં ભયાનક આગ લાગી હતી. ટ્રકમાં અને કારમાં સવાર ૨-૨ લોકો મોત થયા છે.
આ સિવાય, સાત લોકોનું રેસ્ક્યુ કરાયું હતું અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સામખિયાળી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં છે. ઈજાગ્રસ્તોની સ્થિતિ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જેથી આ ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા સેવાઇ રહી છે.ઘટનાની જાણ થતા મોરબી અને ભચાઉ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી હતા.
મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર ટીમે આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી, અને ઘટના સ્થળે બચાવ કામગીરી ઝડપથી હાથ ધરી હતી. પોલીસ અકસ્માતના કારણો જાણવા કરવા માટે તપાસ કરી રહી છે.SSMS