Western Times News

Gujarati News

યુક્રેન યુદ્ધ પર ચર્ચા માટે ટ્રમ્પ અને પુતિન એકબીજાને મળશે

મોસ્કો, એકબીજાના ટીકાકાર અને દુશ્મન મનાતાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન ટૂંકમાં જ એકબીજાને મળશે. પુતિને આગામી સપ્તાહ દરમિયાન યુનાઈટેડ આરબ એમિરેટ્‌સ (યુએઈ) ખાતે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાતની શક્યતા વ્યક્ત કરી છે.

જોકે વાટાઘાટો મામલે પહેલ અમેરિકા તરફથી કરવામાં આવી છે. આ વાટાઘાટોમાં ત્રણ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને અટકાવવાની દિશામાં નક્કર પગલાં લેવાની ચર્ચા થઇ શકે છે.

બીજી બાજુ યુદ્ધ અટકાવવા માટે ટ્રમ્પે રશિયાને આપેલી મુદત શુક્રવારે પૂરી થઈ રહી છે ત્યારે આગલા દિવસે આ જાહેરાત કરાઇ છે.

પુતિનના વિદેશી બાબતોના સલાહકાર યુરી ઉશાકોવના જણાવ્યા મુજબ, આ મુલાકાત દરમિયાન યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કીની ઉપસ્થિતિ નહીં હોય. વધુમાં યુરીએ કહ્યું હતું કે, આ વાટાઘાટો દરમિયાન ઝેલેન્સ્કીને હાજર નહીં રાખવા બાબતે અમેરિકાએ પણ હકારાત્મક જવાબ આપ્યો હતો. યુક્રેન સાથે યુદ્ધ વિરામ પર ચર્ચા પહેલા ટ્રમ્પ સાથે વાટાઘાટોમાં મહત્ત્વના નિર્ણયો લેવાનું રશિયાનું આયોજન છે. ટ્રમ્પ-પુતિનની બેઠક સફળ રહેવાની અપેક્ષા રસિયાએ વ્યક્ત કરેલી છે.

અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ સાથે આ બાબતે અગાઉ ચર્ચા થયેલી હતી અને યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેલ અલ નાહયાન સાથે મુલાકાત બાદ પુતિને આ બેઠકની જાહેરાત કરી છે.ટ્રમ્પે યુક્રેન સાથેનું યુદ્ધ પૂરું કરવા આપેલી સમય મર્યાદા શુક્રવારે પૂરી થઈ રહી છે ત્યારે તેના આગલા દિવસે જ પુતિને ટ્રમ્પ સાથે મુલાકાતનો તખ્તો ઘડ્યો છે.

જો કે આગામી સપ્તાહે યોજાનારી બેઠકના પગલે ટ્રમ્પે આપેલી સમયમર્યાદામાં ફેરફાર થશે કે પછી રશિયા પર પ્રતિબંધો લાગુ કરવામાં આવશે તે અંગે અમેરિકા તરફથી કોઈ સ્પષ્ટતા થઈ નથી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલે મોસ્કોની મુલાકાત દરમિયાન ગુરુવારે જણાવ્યું કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ટૂંક સમયમાં ભારતના પ્રવાસે આવશે.

તેમની ભારત મુલાકાતની તારીખો નક્કી થઈ રહી છે તેમ સૂત્રોએ પુષ્ટિ કરતા કહ્યું હતું. પુતિનના ભારત પ્રવાસ માટે કોઈ ચોક્કસ તારીખ કે સમયગાળા પર ચર્ચા થઈ નથી. અગાઉ અહેવાલોમાં ઓગસ્ટના અંતે રશિયાના રાષ્ટ્રપતિ ભારત પ્રવાસે આવી શકે છે તેવો ઉલ્લેખ કરાયો હતો જે ખોટું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

અજિત દોવાલ મંગળવારે રશિયાના પાટનગર મોસ્કો પહોંચ્યા હતા અને ગુરુવારે તેમણે રશિયાના સુરક્ષા પરિષદના સચિવ સર્ગેઈ શોઇગુ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. તેઓ મોડી રાત્રે રશિયાના પ્રમુખ પુતિનને પણ મળ્યા હતા.

દોવાલ તેમજ રશિયાના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ઊર્જા તથા સંરક્ષણ સહયોગ તેમજ દ્વીપક્ષીય મુદ્દાઓ અને પુતિનની ભારત મુલાકાત અંગે વિસ્તારપૂર્વક ચર્ચા થઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.