મંદિરમાં દાનમાં આવેલી ચલણી નોટના બદલે 15 લાખની ચિલ્ડ્રન બેન્કની નકલી નોટો ગઠીયો પધરાવી ગયો

કડી તાલુકાના થોળ ગામ પાસે આવેલા મંદિર નજીક બનેલી ઘટના
(એજન્સી)મહેસાણા, કડી તાલુકાના થોળ ગામ પાસે સપ્તાહ અગાઉ મંદિરમાં દાનમાં આવેલી ચલણી નોટ અને પરચૂરણના બદલે ૧૦ ટકા કમિશન આપી રૂ. ૫૦૦ની ચલણી નોટો લેવાની લાલચ આપી ગઠિયો રૂ. ૧૫ લાખની ચિલ્ડ્રન બેન્કની નકલી નોટો પધરાવી ગયો હતો.
કડીની રૂદ્રકુટીર સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ રતિલાલ પટેલને મહિના અગાઉ વિજાપુરના વસાઈ ડાભલા ખાતે રહેતા મિત્ર જીગર ઠાકોરે ફોન ઉપર વાત કરી હતી કે, માણસાના ગોવિંદપુરા (સમૌ)માં રહેતા પટેલ દશરથભાઈ વિઠ્ઠલભાઈ એક મંદિરમાં ટ્રસ્ટી છે.
તેઓ મંદિરમાં આવતી પરચૂરણ રકમ આપી બદલામાં રૂ. ૫૦૦ની ચલણી નોટ લે છે. તેઓ ૧૦ ટકા જેટલું કમિશન પણ આપે છે. લાલચમાં આવી પહેલી વખત મહેન્દ્રભાઈ પટેલે સોસાયટીમાં રહેતા મેઘ હરેશકુમાર પટેલ અને જીગરભાઈના સહયોગથી એક લાખની પરચુરણ કિશોરસિંહ બાપુ નામના શખ્સ પાસેથી મેળવી કમિશન મેળવ્યું હતું.
૩૧મી જુલાઈએ પુનઃ કિશોરસિંહ બાપુએ મહેન્દ્રભાઈ પટેલ સહિતના ચાર લોકોને રૂ. ૧૫ લાખની ૫૦૦ની ચલણી નોટો લઈ સાંજે થોળથી શીલજ રોડ પાસે બોલાવ્યા હતા. જ્યાં કારમાં આવેલા દશરથભાઈએ રૂ.૧૫ લાખ લઈ સામે પરચૂરણ અને નોટો ભરેલી બેગ આપી જતા રહ્યા હતા.
મહેન્દ્રભાઈ પટેલ સહિતના લોકોએ બેગ જોતાં તેમાં તમામ નોટો ચિલ્ડ્રન બેન્કની ખોટી હોવાનું જણાઈ આવતા મહેન્દ્રભાઈ રતિલાલ પટેલે બાવલુ પોલીસ મથકે કિશોરસિંહ ફરિયાદ નોંધાવી હતી.