Western Times News

Gujarati News

PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી ભારત આવવા આમંત્રણ આપ્યું

File Photo

પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સંકટ સહિત દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી છે

નવી દિલ્હી,  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મહત્વપૂર્ણ ટેલિફોન વાતચીત કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ૫૦ ટકા ટેરિફને ધ્યાનમાં રાખીને આ વાતચીત પર આખી દુનિયા નજર રાખી રહી છે.

આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે વૈશ્વિક મંચ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર લાદવામાં આવેલ ૫૦ ટકા ટેરિફ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. આ પૃષ્ઠભૂમિમાં ભારત અને રશિયા વચ્ચેની આ વાતચીત માત્ર બન્ને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ નથી, પરંતુ આર્થિક પડકારોનો સામનો કરવા તરફ એક સકારાત્મક પગલું પણ માનવામાં આવી રહ્યું છે.

રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને યુક્રેનમાં ચાલી રહેલ તાજેતરના ઘટનાક્રમો વિશે વિગતવાર જાણકારી આપી. પીએમ મોદીએ આ માહિતી માટે પુતિનનો આભાર માન્યો અને ભારતના જૂના અને સ્પષ્ટ વલણને દોહરાવ્યું, જેમાં કહેવામાં આવ્યું છે કે, યુદ્ધ અને સંઘર્ષનો ઉકેલ હંમેશા શાંતિ અને વાતચીત દ્વારા શોધવો જોઈએ. ભારત હંમેશા એ જ માનવું છે કે, યુદ્ધથી કોઈને ફાયદો થતો નથી, અને દરેક મુદ્દાને શાંતિ દ્વારા ઉકેલી શકાય છે.

આ સાથે જ બન્ને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચેની ખાસ અને મજબૂત મિત્રતાને વધુ ગાઢ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. નોંધનીય છે કે, વાતચીતમાં બન્ને નેતાઓએ તાજેતરના વર્ષોમાં આ સંબંધોમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી હતી અને આ સંબંધોને વધુ સારા બનાવવા માટે સાથે મળીને કામ કરવાનું વચન આપ્યું હતું. પીએમ મોદીએ આ વર્ષના અંતમાં પુતિનને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

આ આમંત્રણ ૨૩મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે હતું, જે બન્ને દેશો વચ્ચે દર વર્ષે યોજાતી એક મહત્વપૂર્ણ બેઠક છે. આ સંમેલન બન્ને દેશો ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને પરસ્પર સહયોગને નવી દિશા આપે છે. આ વાતચીત ફરી એકવાર દર્શાવે છે કે, ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા કેટલી ખાસ અને મહત્વપૂર્ણ છે. બન્ને દેશો માત્ર વેપાર અને રક્ષા ક્ષેત્રમાં જ નહીં, પરંતુ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે પણ સાથે મળીને કામ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.