જમીન વિવાદમાં મહિલા શિક્ષકને દોરડાથી બાંધીને ફટકારી
નવી દિલ્હી, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ નેતાના નેતૃત્વમાં ભીડે બે મહિલાઓને બાંધીને રસ્તા પર ઘસેડી અને તેમની સાથે મારઝૂડ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મહિલા ટીચરે રસ્તા નિર્માણ માટે તેની જમીનપર ખોટી રીતે કબજો કરવામાં આવતા તેણે વિરોધ કર્યો હતો. આ મામલે નારાજ તૃણમૂલ સમર્થકોએ તેને બાંધીને રસ્તા પર ઘસેડી હતી. જ્યારે તેની મોટી બહેને આ વાતનો વિરોધ કર્યો તો તેને ધક્કો મારીને પાડી દેવામાં આવી છે અને બંને સાથે ગાળો બોલીને મારઝૂડ કરવામાં આવી હતી.
મહિલાનું નામ સ્મૃતિખાના દાસ છે. તે બાજુની એક સ્કૂલમાં ટીચર છે. તે તેની માતા સાથે ફાટા નગરમાં રહે છે. દીકરીઓને બચાવવા જતા તેમની માતાને પણ ઈજા થઈ છે. મહિલાએ પાંચેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. જોકે હજી આ મુદ્દે કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
મહિલાએ આરોપ લગાવ્યો હતો કે સ્થાનિક તૃણમૂલ નેતા અમલ સરકારના નેતૃત્વમાં તેની સાથે મારઝૂડ કરવામાં આવી છે. રવિવારે તૃણમૂલ જિલ્લા પ્રમુખ અર્પિતા ઘોષે પંચાયતના નેતા અમલ સરકારને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. બંને મહિલાઓના જણાવ્યા પ્રમાણે, તેમને પહેલાં જણાવવામાં આવ્યું હતું કે, તેમના ઘરની સામે બનેલો રસ્તો 12 ફૂટ પહોળો કરવામાં આવશે. ત્યારે તેઓ જમીન આપવા તૈયાર થઈ ગયા હતા. પરંતુ પછી પંચાયતે રસ્તો 24 ફૂટ પહોળો કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારપછી તેમને તેમની જમીનનું વધારે નુકસાન થતું હતું તેથી તેમણે આ વાતનો વિરોધ કર્યો હતો.