આતંકવાદી છે કેજરીવાલ, તેના પુરાવા પણ છે: પ્રકાશ જાવડેકર
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. હવે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આતંકવાદી ગણાવ્યા છે. જેમ-જેમ દિલ્હી ચૂંટણી નજીક આવતી જાય છે, તેમ-તેમ નેતાઓ વચ્ચે વાકયુદ્ધ વધતુ જાય છે. સોમવારે એક પત્રકાર પરિષદમાં જાવડેકરે કેજરીવાલની આલોચના કરી હતો. પત્રકારો સાથે વાતચીત કરતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, દિલ્હીની જનતા જે તેમની પડખે ઉભી રહી હતી, તે હવે કેજરીવાલથી દૂર થઈ રહી છે. આથી જ કેજરીવાલ પૂછી રહ્યાં છે કે, શું હું આતંકવાદી છું? તો તમે આતંકવાદી જ છો. જેના અનેક પુરાવા પણ છે. તમે પોતે જ કબુલ્યુ હતું કે, હું અરાજક્તાવાદી છું. અરાજક્તાવાદી અને આતંકવાદીમાં વધારે ફર્ક નથી હોતો.
બીજી તરફ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પ્રકાશ જાવડેકરે પલટવાર કરતા જણાવ્યું કે, આ આપણા દેશની રાજધાનીમાં થઈ રહ્યું છે. જ્યાં કેન્દ્ર સરકાર બેઠેલી છે, ચૂંટણી પંચ ઉપસ્થિત છે. એક કેન્દ્રીય મંત્રીને આવી ભાષા બોલવાની મંજૂરી કેવી રીતે મળી શકે છે? જો કેજરીવાલ આતંકવાદી છે, તો ભાજપ તેમની ધરપકડ કરવાનો પડકાર ફેંકુ છું. અગાઉ ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ કેજરીવાલને આતંકવાદી કહ્યા હતા. જે બાદ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, મેં બે વખત દેશના ભ્રષ્ટાચારીઓ વિરૂદ્ધ આમરણાંત ઉપવાસ કર્યા છે. મેં 15-15 દિવસ સુધી ઉપવાસ કર્યા. મેં દેશ માટે મારો જીવ જોખમમાં મૂક્યો. હવે ભાજપ મને આતંકવાદી કહી રહી છે. હવે દિલ્હીની જનતાએ નક્કી કરવાનું છે કે, શું આતંકવાદી છું કે, તેમનો દીકરો છું. જેણે તમારી દિલ્હી માટે સ્કૂલો અને હોસ્પિટલો બનાવી.