Western Times News

Gujarati News

મૃતબહેનના અંગદાનવાળા હાથથી મુસ્લિમ તરૂણીએ હિન્દુ ભાઈને રાખડી બાંધી

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડમાં, વલસાડના મિસ્ત્રી પરિવારની ૯ વર્ષની રિયાનો હાથ મુંબઈની ૧૫ વર્ષની અનામતા અહેમદમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયો હતો. વલસાડના તિથલ રોડ પર સરદાર હાઇટ્‌સમાં રહેતા મિસ્ત્રી પરિવારની ૯ વર્ષની દીકરી રિયાનું સપ્ટેમ્બર ૨૦૨૪માં મરણ થતા તેના શરીરના અંગોનું અંગદાન કરવામાં આવ્યું હતું

જેમાં ઇતિહાસમાં સૌપ્રથમવાર એટલી નાની ઉંમરે માત્ર ૯ વર્ષની બાળકીના હાથનું દાન કરવામાં આવ્યું હતું. જે હાથ મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ મુંબઈ રહેતા મુસ્લિમ પરિવારની ૧૫ વર્ષીય દીકરી અનામતા અહેમદ કે જેનો એક અકસ્માતમાં હાથ કપાઈ ગયો હતો તેમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા.

બસ ત્યારથી જ આ મુસ્લિમ પરિવારે મિસ્ત્રી પરિવારને પોતાનો પરિવાર અને અનમતાએ, બહેન ગુમાવી ચુકેલા ભાઈ શિવમને પોતાનો ભાઈ માની લીધો હતો અને તેના પરિણામ સ્વરૂપે રક્ષાબંધનના પવિત્ર તહેવારે મુસ્લિમ પરિવાર ખાસ મુંબઈથી વલસાડ આવ્યો હતો. જ્યારે અનમતાએ શિવમને રાખડી બાંધી ત્યારે અદભુત અને અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં

અને પોતાની બહેનને ગુમાવી દીધા બાદ પણ તેના દાન કરાયેલા હાથ દ્વારા ભાઈના હાથ પર રાખડી બંધાતા લાગણીના તાર અતૂટ રીતે જોડાઈ ગયા હતાં. અનમતા અહેમદના ઼ કપાયેલાં ખભા સુધીનાં હાથની જગ્યાએ ઼ ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા રિયાનાં હાથના સ્પર્શ માત્રથી ભાઈ શિવમના દિલમાં નાની અમથી બહેન રિયા જાણે જીવતી થઈ ગઈ હતી.

અનામતાએ કહ્યું હતું કે, રિયાએ મારી જિંદગી બદલી, હવે શિવમ મારો ભાઈ છે, દર વર્ષે હું વલસાડ ભાઈ પાસે આવીશ. રિયાના માતા-પિતા બોબી અને ત્રીષ્ણા મિસ્ત્રીએ અત્યંત ભાવુક થઈ જણાવ્યું હતું કે, આજે એવું લાગી રહ્યું છે કે રિયા ફરી અમારા વચ્ચે આવી છે. તેની રાખડી, તેનો સ્પર્શ બધું જ જાણે પાછું આવી ગયું હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. આમ સ્વ.રિયાનાં હાથનું અંગદાન આ રક્ષાબંધન પર ઇશ્વર અને અલ્હાના દેવત્વને ઼ખરા અર્થમાં સાકાર કરી ગયું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.