પડ્યા પર પાટુઃ કોરોના વાયરસ સામે ઝઝૂમી રહેલા ચીનમાં ભૂકંપ આવતા અફરાતફરી મચી ગઇ
બેઈજિંગ, કોરોના વાયરસથી પીડિત ચીનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આજે ભૂકંપના આંચકા અનુભવાતા પડ્યા પર પાટુ જેવી સ્થિતિ ઉભી થઈ છે. ભૂકંપ આવ્યા બાદ ચીનની સરકાર તાત્કાલિક રાહત કાર્યમાં લાગી ગઈ છે. નોંધનીય છે કે ચીનમા કોરોના વાયરસે રોગચાળાનું સ્વરૂપ લઈ લેતા જેના કારણે 361 લોકોના મોત નીપજ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ કોરોના વાયરસના કારણે ઈન્ટરનેશનલ સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી દીધી છે.
સૂત્રો અનુસાર ભૂકંપનુ કેન્દ્ર ચીનના 30.74 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 104.46 ડિગ્રી પૂર્વ દક્ષાંશની વચ્ચે જમીનથી લગભગ 21 કિલોમીટર અંદર આવ્યું, જેની તીવ્રતા રિક્ટર સ્કેલમા 5.1 માપવામા આવી હતી. ચીનમા ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમા અત્યાર સુધી 150 લોકોનું રેસ્ક્યુ કરવામા આવ્યુ છે. સરકારે ભૂકંપથી પ્રભાવિત વિસ્તારોમા 34 વાહનો રાહત કાર્યમાં મોકલ્યા છે. જો કે, ચીનની સરકારી ન્યૂઝ એજન્સીના આધારે ભૂકંપના કારણે હજુ સુધી કોઈ વ્યક્તિનું મોત નીપજ્યુ હોય તેવી જાણકારી મળી નથી. ભૂકંપ પ્રભાવિત વિસ્તારના રહેણાકનું કહેવું છે કે, લગભગ 10 સેકન્ડ સુધી ધરતી ધ્રૂજી હતી. ભૂકંપના કેન્દ્રના 38 કિલોમીટર સુધી આંચકા અનુભવાયા હતા.
ભૂકંપના કારણે લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. કેટલાક લોકો ખુલ્લા મેદાનમા ભૂકંપથી બચવા માટે એકઠા થઈ ગયા. ભૂકંપના આંચકા બાદ સતત બે-ત્રણ આંચકા આવવાને કારણે લોકોમા ભયનો માહોલ પ્રસરી ગયો છે.