પહેલી T20માં ઓસ્ટ્રેલિયાએ આફ્રિકાને ૧૭ રનથી હરાવ્યું

ડાર્વિન, મિશેલ માર્શના નેતૃત્વ હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમે વેસ્ટ ઈન્ડિઝને ખરાબ રીતે હરાવ્યા બાદ હવે દક્ષિણ આફ્રિકાની સામે પણ ટી૨૦ સિરીઝની ધમાકેદાર શરૂઆત કરી છે. શ્રેણીની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ આફ્રિકાને ૧૭ રનથી હરાવ્યું હતું.
ટિમ ડેવિડ અને જોશ હેઝલવુડ જીતના હીરો રહ્યા હતા.ડાર્વિન ક્રિકેટ સ્ટેડિયમ ટિમ ડેવિડનું વાવાઝોડું આવ્યું હતું. તેણે ૫૨ બોલમાં આઠ છગ્ગાની સાથે ૮૩ રનની વિસ્ફોટક ઇનિગ્સ રમી હતી. બોલિંગમાં હેઝલવૂડે આફ્રિકાન બેટ્સમેનને એક પછી એક આઉટ કરીને પેવેલિયન ભેગા કર્યા હતા. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી નહોતી. ૮ ઓવરની અંદર જ ૭૫ રન પર ૬ વિકેટ પડી હતી.
મિશેલ માર્શ, ટ્રેવિસ હેડ અને જોશ ઇંગ્લિસ સસ્તામાં આઉટ થયા બાદ કેમરોની ગ્રીને મોરચો સંભાળ્યો હતો. તેણે માત્ર ૧૩ બોલમાં ૩૫ રનની ઈનિંગ્સ રમીને ટીમને ગેમાં પાછા લાવવાનો પ્રયાસ કર્યાે હતો.
જો કે, છઠ્ઠી ઓવરમાં તે પણ આઉટ થઈ ગયો હતો અને આઠમી ઓવર સુધીમાં વધુ બે વિકેટ પડી હતી.અહીંથી ટિમ ડેવિડે બાજી સંભાળી અને આઈપીએલ સ્ટાઈલમાં બેટિંગ કરીને ટીમને ૧૭૮ના મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી.
ડેવિડે ૮ છગ્ગા ફટકાર્યા હતા, જેમાં ૧૦૯ મીટર લાંબી સિક્સર પણ સામેલ છે. આફ્રિકા માટે ૧૯ વર્ષીય ઝડપી બોલર ક્વેના મ્ફાકાએ ૨૦ રન આપીને ૪ વિકેટ જ્યારે કાગીસો રબાડાએ ૨ વિકેટ લીધી હતી. રન ચેઝ કરવા મેદાન પર ઉતરેલી આફ્રિકાએ જોશ હેઝલવુડની પહેલી ઓવરમાં જ ૩ ચોગ્ગા ફટકારીને ઝડપી શરૂઆત કરી હતી. પરંતુ તેણે ઓવરના છેલ્લા બોલે માર્કરામને પેવેલિયન ભેગો કર્યાે હતો.
આફ્રિકાએ પાવરપ્લેમાં ૪૮ રન પર ૩ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ રાયન રિકેલ્ટન અને ટ્રિસ્ટન સ્ટબ્સ વચ્ચે સારી ભાગીદારી થઈ હતી અને ૧૫ ઓવરમાં ટીમનો સ્કોર ૧૨૦ રન સુધી પહોંચાડ્યો હતો.બંને વચ્ચેની આ ભાગીદારી ખતરનાક બની રહી હતી અને ફરી એકવાર હેઝલવુડે તેના પર બ્રેક લગાવી હતી.
ઓસ્ટ્રેલિયન પેસ બોલરે ૧૫મી ઓવરમાં સ્ટબ્સ (૩૭) અને પછી જ્યોર્જ લિન્ડાને આઉટ કરીને દક્ષિણ આફ્રિકાની મુશ્કેલીઓ વધારી હતી.રિકેલ્ટન (૭૧)એ પોતાની અડધી સદી પૂર્ણ કરીને જીતની આશા જીવંત રાખી હતી, પરંતુ છેલ્લી ઓવરમાં ગ્લેન મેક્સવેલે શાનદાર કેચ પકડતા તે આઉટ થયો હતો અને આફ્રિકા ૧૬૧ રન સુધી જ પહોંચી શક્યું હતું. હેઝલવુડ ઉપરાંત દ્વારશુઈસે પણ ૩ વિકેટ લીધી હતી.SS1MS