વડનગરના પૌરાણિક હાટકેશ્વર મહાદેવના મંદિર પરિસર વિકાસના બીજા તબક્કામાં રૂ. ૪.૨૨ કરોડના કામો પૂર્ણ

ઉત્તર ગુજરાતના વડનગરના પૌરાણિક હાટકેશ્વર મહાદેવના મુખ્યમંત્રીએ શ્રાવણ માસના ત્રીજા સોમવારે પૂજન-અર્ચન કર્યા
રાજ્ય સરકાર દ્વારા હાટકેશ્વર મંદિરનો સ્વદેશ દર્શન યોજના અને હેરિટેજ સર્કિટ પ્રોજેક્ટમાં સમાવેશ થયો છે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના વડનગર સ્થિત અને પૌરાણિક મહત્વ ધરાવતા હાટકેશ્વર મહાદેવના દર્શન પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભક્તિભાવ પૂર્વક કર્યા હતા. તેમણે રાષ્ટ્ર અને રાજ્યના સતત વિકાસ અને પ્રગતિ તથા સૌ નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ, શાંતિ માટે હાટકેશ્વર દાદાને પ્રાર્થના કરી હતી.
હાટકેશ્વર મંદિરનો સ્વદેશ દર્શન યોજના અને હેરિટેજ સર્કિટ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, મંદિર પરિસરમાં યાત્રી સુવિધા વિકાસના પ્રથમ તબક્કાના રૂ. ૧૮ કરોડના કામો અને બીજા તબક્કામાં રૂ. ૪.૨૨ કરોડના અનુદાનથી ગર્ભ ગૃહ, સભામંડપ, શિખર તથા યજ્ઞશાળા અને સ્વાગત કેન્દ્રના કામો પૂરા થયા છે.
ગુજરાત પ્રવાસન નિગમે તાજેતરમાં જ રૂ. ૫.૫૩ કરોડના ખર્ચે હાટકેશ્વર મંદિરના ઐતિહાસિક અને પૌરાણિક મહત્વને પ્રસ્તુત કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ કાર્યરત કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ હાટકેશ્વર મંદિરમાં પૂજન-દર્શન કર્યા તે અવસરે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવશ્રી રાજેન્દ્રકુમાર પવિત્ર યાત્રા વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા,અગ્રણી ગીરીશભાઈ રાજગોર, ધારાસભ્યશ્રી કે કે પટેલ,જિલ્લા કલેકટર એસ કે પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ હસરત જસ્મીન, નિવાસી અધિક કલેકટર જે કે જેગોડા, વડનગર શહેર અને તાલુકા વહિવટીતંત્રના અધિકારીશ્રીઓ, પદાઅધિકારીશ્રીઓ, હાટકેશ્વર મહાદેવ સંસ્થાન વડનગરના ટ્રસ્ટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.