Western Times News

Gujarati News

પ્રેમ પ્રકરણમાં વીજ તારનો કરંટ આપી યુવકની હત્યા, માતા-પુત્રની ધરપકડ

(એજન્સી)આણંદ, આણંદ જીલ્લાના આંકલાવના આસોદર ગામની તાતીયાપુરા સીમમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરી હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરનાર માતા પુત્રને આંકલાવ પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

આસોદરના તાતીયાપુરા સિમ વિસ્તારમાં ગત શુક્રવારે સવારે સાડા છ વાગ્યાના સુમારે કેળના ખેતર પાસેથી ૪૧ વર્ષીય પ્રવિણભાઇ ઉર્ફે પિન્ટો રાવજીભાઈ ભોઈનો મૃતદેહ મળી આવ્યો હતો.

આંકલાવ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતક પ્રવીણભાઈ ઉર્ફે પિન્ટોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અક્સ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મૃતક પ્રવીણભાઈ ઉર્ફે પિન્ટોના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી મોત નિપજ્યું હોવાનું ખુલતા મૃતકને કેળાના ખેતરમાં મૂકેલા ઝાટકા મશીનના તારને અડી જતા વીજ કરંટ લાગતા મોત નિપજ્યું હોવાનું પોલીસે અનુમાન કર્યું હતું.

આ ઘટના બાદ પોલીસે કેળાના ખેતર નજીક રહેતા સંજયભાઇ ભીખાભાઇ પઢીયાર તથા તેની પત્ની નીતાબેન સંજયભાઇ પઢીયાર તથા માતા તારાબેન ભીખાભાઇ પઢીયારની ઉંડાણ પુર્વક પુછપરછ કરતા સમગ્ર હત્યાની ઘટનાનો પર્દાફાશ થયો હતો.

પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે સંજયભાઇ ભીખાભાઇ પઢીયારની પત્ની સાથે પ્રવિણભાઇ ઉર્ફે પિન્ટોને છેલ્લા દસ વર્ષથી પ્રેમ સંબંધ હોવાથી તે અવારનવાર નીતાને મળવા માટે તેઓના ઘરે આવતો હતો અને આજથી ૧૫ દિવસ પૂર્વે પણ પ્રવિણભાઇ ઉર્ફે પિન્ટોએ દારૂ પી આવીને રાત્રિના સુમારે સંજયભાઈના ઘરના દરવાજાને લાતો મારી ગાળા ગાળી કરી બૂમો પાડી તમાશો ઉભો કરતા જે બાબતે સંજયભાઈ અને પ્રવીણ વચ્ચે બોલાચાલી થઈ હતી.

ગત તા. ૭મી ઓગસ્ટના રોજ નીતાનો જન્મ દિવસ હોઈ પ્રવિણ ઉર્ફે પિન્ટો નીતાને મળવા ઘરે આવશે તેમ લાગતા સંજય અને તેની માતા તારાબેને પ્રવિણ ઉર્ફે પિન્ટોની હત્યા કરવા માટે કાવતરું ઘડ્‌યું હતું. અને આ કાવતરા અનુસાર બંને માતા પુત્રએ તેમના ઘરની બાજુમાં આવેલા કાચા રસ્તામાં ખુલ્લો વીજ વાયર મુકી કરંટ વહેતો મુક્યો હતો. અને રાત્રિના સમયે પ્રવિણભાઇ ઉર્ફે પિન્ટો પોતાની પ્રેમિકા નીતાને મળવા આવતા તેને વીજ કરંટ લાગ્યા તેનું મોત નિપજ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.