Western Times News

Gujarati News

અમદાવાદની શાન ગણાતાં રિવરફ્રન્ટના અનેક પ્રોજેકટોનું બાળમરણ

રિવરફ્રન્ટના શૌચાલયોમાં પારાવાર ગંદકી ઃ શહેઝાદખાન પઠાણ

(પ્રતિનિધિ) અમદાવાદ, સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ શહેરનો પ્રથમ નંબર આવ્યો છે, પરંતુ શહેરની શાન ગણાતાં એવા સાબરમતી રિવરફ્રન્ટ પર શૌચાલય ગંદકી વાળા હોવા અંગેનો આક્ષેપ વિપક્ષના નેતા દ્વારા કરવામાં આવ્યો છે. શૌચાલયમાં સફાઈ કરવામાં આવતી નથી તેના કારણે થઈને ત્યાં ગંદકી અને દુર્ગંધ હોય છે.

બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચે અવનવા પ્રોજેક્ટ લાવવામાં આવે છે, પરંતુ આ પ્રોજેક્ટ બંધ થઈ ગયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. રિવરફ્રન્ટ પર ગગનચુંબી ઇમારતો અને મોટા કોમર્શિયલ હબ બનાવવાના ભાજપ અને રિવરફ્રન્ટ કોર્પોરેશન લિમિટેડના દાવા હવે પોકળ સાબિત થઈ ગયા છે.

વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે આક્ષેપ કર્યો હતો કે, રિવરફ્રન્ટ પ્રોજેકટ ભાજપના અણધડ વહીવટનો નમુનો છે.કરોડો રૂપિયાની લોન રિવરફ્રન્ટ દ્વારા મેળવવામાં આવે છે, પરંતુ માત્ર વાહવાહી મેળવવા ચૂંટણીલક્ષી અવનવા ગતકડાં સાબરમતી રિવરફ્રન્ટ પર લાવવામાં આવ્યાં છે. જેના બાળમરણ થઈ ગયા છે.

સાબરમતી રિવરફ્રન્ટની જમીન પર ગગનચુંબી ઈમારતો બનશે, આઈ.ટી. કંપનીઓ કોર્મશિયલ કોમ્પલેક્ષ કે બિઝનેસ હબ બનાવવા તથા બિઝનેસ કરતી દેશ-વિદેશની કંપનીઓ દ્વારા મોટા મોટા મોલ બનશે તેવો ભાજપ દ્વારા વાયદો કરાયેલો પરંતુ સત્તાધારી ભાજપના અન્ય પોકળ વાયદાની જેમ આ વાયદો પણ પોકળ સાબિત થયો છે.

ભાજપ દ્વારા ડ્રીમ પ્રોજેકટ તરીકે ગણાવાતા રિવરફ્રન્ટ પ્રોજેકટની જમીન વેચાણ કરવા બાબતે ભાજપના સત્તાધીશો દ્વારા મંદ ગતિથી તેમજ અણધડ પોલિસી બનાવવાને કારણે રિવરફ્રન્ટ પ્રોજેકટ સફેદ હાથી સમાન બની ગયો છે. રિવરફ્રંટ લિ. દ્વારા ૨૧/૩/૨૦૧૫ના રોજ ઝીપ લાઈનનું ઉદ્ધાટન, ૩૧/૧૦/૨૦૨૦ના રોજ સી-પ્લેનનું ઉદ્ઘાટન, ૧/૧/૨૦૨૨ના રોજ હેલિકોપ્ટર રાઈડનું ઉદ્દઘાટન, ૩૧/૩/૨૦૨૩ના રોજ કાયાકિંગનું ઉદ્ધાટન, ૨/૭/૨૦૨૩ના રોજ રિવર ક્રૂઝનું ઉદ્ધાટન કરવામાં આવ્યા હતા.

વર્ષ ૧૯૯૭માં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશનની પબ્લિક લી. કંપની તરીકે રચના કરવામાં આવેલી હતી. દેશના સૌથી સ્વચ્છ ગણાતા અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ઉપરના શૌચાલયો ગંદકીવાળા છે. સ્વચ્છતા બાબતે દેશનું નંબર ૧ શહેર ગણાવી ફોટો સેશન કર્યું છે.

સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ પર પૂર્વ વિસ્તારમાં શૌચાલયની જગ્યામાં દારૂની થેલીઓ જોવા મળે છે. અલગ જગ્યાએ આવેલા શૌચાલય આવેલા છે જેમાં ગંદકી જોવા મળે છે. શૌચાલય બંધ હાલતમાં અને ક્યાંય નળ પણ નથી હોતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.