Western Times News

Gujarati News

એચ-૧બી વિઝાધારકો માટે ૧૫મી ઓગસ્ટથી ટ્રમ્પ સરકારનો નવો નિયમ અમલી બનશે

નવી દિલ્હી, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ઈમિગ્રેશન નીતિનો કોરડો હવે એચ૧બી વિઝાધારકો પર વિંઝાયો છે. અમેરિકાની ઈમિગ્રેશન નીતિમાં ૧૫મી ઓગસ્ટથી અમલી થનારા ફેરફારોને કારણે હજારો બાળકોની ગ્રીન કાર્ડ મેળવવાની શક્યતાઓ અત્યંત પાંખી થઈ જશે.

એચ૧બી વિઝાધારકોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ હોવાના કારણે આ ફેરફારની સૌથી વધુ અસર ભારતીય બાળકો પર થશે. આ ઉપરાંત અમેરિકામાં નહીં જન્મેલાં અને માબાપના એમ્પ્લોયમેન્ટ વિઝા સાથે સંલગ્ન દાયકાઓ જૂના ગ્રીન કાર્ડ બેકલોગમાં ફસાયેલાં બાળકો પર પણ તેની અસર થશે.

નવા ફેરફારો અનુસાર, એચ૧બી વિઝાધારકોની ગ્રીન કાર્ડ માટેની પ્રક્રિયા ચાલુ હશે અને એ સમયગાળા દરમિયાન જો તેમના બાળકો ૨૧ વર્ષના થઈ જશે તો તેમનું પ્રોટેક્ટેડ ઈમિગ્રેશન સ્ટેટસ ગુમાવી દેશે.

આ નવા ફેરફારથી આશરે ૨ લાખથી વધુ બાળકો અને કિશોરો પર અસર થશે. વર્તમાન નિયમો અનુસાર, માબાપની માન્ય અરજીના માધ્યમથી માન્ય પરમેનન્ટ રેસિડન્ટનો દરજ્જો હાંસલ કરવા માટે અપરણિત બાળકની ઉંમર ૨૧ વર્ષથી ઓછી હોવી જોઈએ.

ગ્રીન કાર્ડ અરજીની પ્રક્રિયા ચાલુ હોય તે દરમિયાન જો બાળકની ઉંમર ૨૧ વર્ષ થઈ જાય તો સામાન્ય રીતે તેની યોગ્યતા સમાપ્ત થઈ જાય છે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશ સર્વિસિસ દ્વારા આ અંતર્ગત ચાઈલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ હેઠળ બાળકની ઉંમરની ગણતરી કરવા માટે તેના નિયમોમાં થયેલાં ફેરફારની જાહેરાત કરી હતી.

આ નવા બદલાયેલા નિયમો ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ કે તે પછીથી કરાનારી ગ્રીન કાર્ડ માટેની અરજીઓને લાગુ પડશે. આ ફેરફારનો હેતુ ગ્રીન કાર્ડ ઈચ્છતા પરિવારો માટે અરજીની પ્રક્રિયા સરળ અને એકસમાન બનાવવાનો છે.

નવા નિયમ હેઠળ, યુએસસીઆઈએસ હવે સીએસપીએ હેઠળ ઉંમરની ગણતરી કરવા માટે વિઝા ક્યારે ઉપલબ્ધ ગણવામાં આવે છે તે નક્કી કરવા માટે ડિપાર્મટેન્ટ ઓફ સ્ટેટના વિઝા બુલેટિનના ફાઇનલ એક્શન ડેટ્‌સ ચાર્ટ પર આધાર રાખશે.

૧૫મી ઓગસ્ટ પૂર્વે સબમિટ કરાયેલી અરજીઓની સમીક્ષા અગાઉ ૧૪ ફેબ્›આરી, ૨૦૨૩ના રોજ જારી કરાયેલી જૂની નીતિ હેઠળ કરવામાં આવશે. આ નવા નિયમોની સૌથી વધુ અસર ભારતીયોને થશે કારણકે, એચ૧બી વિઝાધારકોમાં તેમની સંખ્યા સૌથી વધુ છે. નાણાકીય વર્ષ ૨૦૨૩માં મંજૂર કરાયેલી એચ૧બી વિઝાની અરજીઓમાં ૭૩ ટકા ભારતીયોની હતી.

પ્યુ રિસર્ચ સેન્ટર અનુસાર, ૨૦૧૦ની સાલથી એચ૧બી વિઝાનો મહત્તમ લાભ ભારતમાં જન્મેલાં લોકોને થઈ રહ્યો છે. યુએસસીઆઈએસે વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે, ફેમિલી સ્પોન્સર્ડ, રોજગાર-આધારિત, અથવા ડાયવર્સિટી વિઝા માટે તેમના માતાપિતાની માન્ય અરજીના આધારે યુ.એસ.માં કાયદેસર પરમેનન્ટ રેસિડેન્ટનો દરજ્જો મેળવવા માટે અપરિણિત વિદેશી બાળક ૨૧ વર્ષથી ઓછી ઉંમરનું હોવું આવશ્યક છે.

પરંતુ જો ઇમિગ્રેશન પ્રક્રિયા દરમિયાન બાળક ૨૧ વર્ષનું થાય, તો તેઓ સામાન્ય રીતે તેમના માતાપિતાની અરજીના આધારે ઈમિગ્રેટ કરવા માન્ય રહેશે નહીં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.