થરાદની કેનાલમાં બે પુત્રો સાથે માતાએ ઝંપલાવ્યું

થરાદ, થરાદની નર્મદાની મુખ્ય કેનાલમાં સોમવારે બપોરે બે પુત્રો સાથે માતાએ ઝંપલાવતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પાલિકાની ફાયરટીમએ ભારે શોધખોળ બાદ માતાનો મૃતદેહ શોધી બહાર કાઢ્યો હતો. જ્યારે બંને પુત્રોનો કોઈ પતો મળ્યો ન હતો.થરાદની નર્મદાની મુખ્ય કેનાલ દિન પ્રતિદિન મોતની કેનાલ સાબિત થઈ રહી છે.
જેમાં સોમવારે બપોરે આશરે દોઢેક વાગ્યે થરાદ નગરપાલિકાની ફાયર ટીમને કોલ મળ્યો હતો કે થરાદની મુખ્ય નર્મદા કેનાલ મહાજનપુરા પુલ અને જમડા પુલ વચ્ચે કોઈ યુવતીએ તેના બે બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું છે. આથી ફાયર ઓફિસર વિરમજી રાઠોડ અને ધનજીભાઈ પ્રજાપતિ ટીમ સાથે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી હતી.
લગભગ ત્રણ કલાક જેટલી જહેમત બાદ થરાદના વતની કમલાબેન પ્રેમજીભાઈ માજીરાણાનો મૃતદેહ શોધીને બહાર કાઢવામાં આવ્યો હતો અને તેમના વાલીવારસોને સોંપ્યો હતો.
જ્યારે તેમના બે પુત્રો હેપ્પી (ઉ.વ. ૮) અને હકુ (ઉ.વ. ૪) સાથે હોવાની આશંકાએ બાળકોની શોધખોળ ચાલુ રાખી હતી. જોકે મોડી સાંજ સુધી બાળકોનો કોઈ પત્તો મળ્યો ન હતો. ઘટનાને પગલે કેનાલ પર લોકોનાં ટોળા એકત્રિત થઈ ગયા હતા. આપઘાતની ઘટનાને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.SS1MS