Western Times News

Gujarati News

સતલાસણામાં ૧૬.૩૫ લાખની જૂની ચલણી નોટો સાથે એક ઝડપાયો

મહેસાણા, સતલાસણાના અંબાજી રોડ પર જૂની રૂ.૫૦૦ અને ૧૦૦૦ની રદ કરાયેલી ચલણી નોટો બદલવા ગયેલા ત્રણ જણા પૈકી એકને મહેસાણા એલસીબીએ કુલ જૂની કિંમત રૂ.૧૬,૩૫,૫૦૦ની ૨૦૮૫ નોટો સાથે ઝડપી લીધો હતો. તેની સાથેના બે વોન્ટેડને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયાં છે.

મહેસાણા એલસીબીના પીએસઆઈ એમ.ડી. ડાભી સહિત સ્ટાફ સતલાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગમાં હતા ત્યારે સતલાસણાથી અંબાજી જતા રોડ ઉપર સ્વાગત પાર્લર આગળ રોડ ઉપર કાળા રંગનો થેલો લઈને એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ઊભો હોવાની બાતમી મળી હતી.

ઈન્ચાર્જ પીઆઈ એન.આર. વાઘેલાની સૂચનાથી પીઆઈ એમ.બી. પઢિયારના માર્ગદર્શન હેઠળ ટીમે સ્વાગત હોટલ આગળથી ઠાકોર આશિષ વિક્રમજી (રહે.ગુંદરાસણ, ગૌચરની બાજુમાં ખેતરમાં, તા.વિજાપુર)ને ઝડપી લઈ તેની પાસેના કાળા રંગના થેલામાં તપાસ કરતાં રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ના દરની હાલમાં ચલણમાં નથી તેવી રદ કરાયેલી જૂની ચલણી નોટોનાં ૨૧ બંડલ મળી આવ્યાં હતાં.

જેમાં કુલ ૨૦૮૫ નોટો જે તે સમયની કિં.રૂ.૧૬,૩૫,૫૦૦ની હતી. પોલીસે જૂની નોટો ભરેલો થેલો તેમજ એક મોબાઈલ કિં.રૂ.૫૦૦૦નો જપ્ત કરી આશીષ ઠાકોરની અટક કરી આગળની કાર્યવાહી માટે સતલાસણા પોલીસને સોંપ્યો હતો.

આશિષ ઠાકોરની સાથે જુની નોટો લઇને આવેલા વડનગરના મીરઝાપુર (ગધીયા)ના રાજપૂત કુલદિપસિંહ રમેશસિંહ અને રાજપૂત હાર્દિકસિંહ વિજયસિંહ નોટો બદલવા અહીં આવ્યા હતા. આશિષને ત્યાં ઉતારી બંને જણા નોટો બદલવા આવનાર વ્યક્તિને લેવા ગયા હતા તે દરમિયાન જ આશિષ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે વોન્ટેડ કુલદિપસિંહ અને હાર્દિકસિંહને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.