જલગાંવમાં ટ્રક અને જીપ વચ્ચે ટક્કર થતા ૧૦ લોકોના મોત
મુંબઈ, મહારાષ્ટ્રના જલગાંવમાં ગઇકાલે રવિવારે રાત્રે ટ્રક અને જીપ વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે, જ્યારે ૭ લોકોને ઈજા પહોંચી છે. મૃતકોમાં એક જ પરિવારના ૭ વ્યક્તિનો સમાવેશ થાય છે. અકસ્માતનો ભોગ બનનારા તમામ એક લગ્ન પ્રસંગમાંથી પરત ઘરે આવી રહ્યા હતા. સામેથી આવી રહેલા એક ટ્રકે જીપને ટક્કર મારતા આ ઘટના સર્જાઈ હતી. ઈજાગ્રસ્તોને જલગાંવની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના યાવલ તાલુકાના હિંગોલા ગામ પાસે બની હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ચિનચોન ગાંમના બાલુ નાયારણ ચૌધરી અને મેહુલ ગામના મહાજન પરિવાર સાથે ૪૦૦ કિમી દૂર લગ્નમાં ચોપડા ગામ ગયા હતા. જ્યાંથી તમામ ૧૭ લોકો એક એસયુવીમાં રાત્રે ૧૧ વાગે ઘરે પરત આવી રહ્યા હતા. આ સમયે ચોપડા-ફૈજપુર રોડ પર આ અકસ્માત થયો હતો. ટ્રક અને જીપ વચ્ચે એટલી ભયંકર ટક્કર થઈ હતી કે જીપ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને તેમા સવારી કરી રહેલા ૧૦ લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા.