ભારતની ફાર્માસ્યુટીકલ્સમાંથી અમેરિકામાં થતી દવાઓની નિકાસમાં ગુજરાત રાજ્યનો સિંહ ફાળો

પ્રતિકાત્મક
USFDAના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કચેરીની મુલાકાત લીધી
ગુજરાતમાં US-FDA માન્યતા પ્રાપ્ત ૧૫૦થી વધુ ઉત્પાદકો કાર્યરત
દોઢ દાયકાથી પહેલા ગુજરાત અને અમેરિકા વચ્ચે ગઠન થયેલા “FDCA, Gujarat – USFDA Regulatory Forum” અન્વયે દ્વિપક્ષીય બેઠક યોજાઈ
ONDCPના આસિસ્ટન્ટ ડીરેક્ટર શ્રીયુત ડેબી સેગુઈનના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિ મંડળને FDCA-ગુજરાતના કમિશનર શ્રી એચ. જી. કોશિયાએ રાજ્ય સરકારની મક્કમ કામગીરીથી અવગત કરાવ્યા
Gandhinagar, અમેરિકાના USFDA તરફથી પધારેલા ઓફીસ ઓફ નેશનલ ડ્રગ કંટ્રોલ પોલીસી (ONDCP)ના પ્રતિનિધિ મંડળે આજે ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મુલાકાત લીધી હતી. ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તેમજ અમેરિકાના યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (USFDA) વચ્ચે માહિતી તેમજ નોલેજના આદાન-પ્રદાન માટે “FDCA, Gujarat – USFDA Regulatory Forum”નું છેલ્લા દોઢ દાયકાથી ગઠન કરવામાં આવ્યું છે.
આ રેગ્યુલેટરી ફોરમ હેઠળ ઉપરોક્ત બન્ને સંસ્થાઓ વચ્ચે સમયાંતરે બેઠકનું આયોજન કરવામાં આવે છે. એ જ અનુક્રમે આજે તકનીકી બાબતોના આદાન-પ્રદાનની ગતિને વધુ વેગ આપવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર કચેરી-ગાંધીનગર ખાતે ONDCPના આસિસ્ટન્ટ ડીરેક્ટર શ્રીયુત ડેબી સેગુઈનના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિ મંડળે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર શ્રી એચ. જી. કોશિયા અને અધિકારીશ્રીઓ સાથે મીટીંગ યોજી હતી.
અમેરિકાના વોશિંગ્ટન ડીસી ખાતેથી પધારેલા ONDCPના પ્રતિનિધિ મંડળ દ્વારા ડ્રગ ટ્રાફીકીંગ, પ્રીક્ર્સર ઉત્પાદકોની માહિતી, ફાર્માસ્યુટીકલ્સમાંથી ગેરકાયદેસર રીતે નાર્કોટીક અને હેબીટ ફોર્મીંગ દવાઓના ઉત્પાદન અને દેશમાંથી અમેરિકામાં થતા નિકાસ અર્થે ચર્ચા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ભારતની ફાર્માસ્યુટીકલ્સમાંથી અમેરિકામાં થતી દવાઓની નિકાસમાં ગુજરાત રાજ્યનો સિંહ ફાળો છે. આ ઉપરાંત ગુજરાતમાં US-FDA માન્યતા પ્રાપ્ત ૧૫૦થી વધુ ઉત્પાદકો કાર્યરત છે, જે અમેરિકામાં ખૂબ જ વ્યાજબી અને ગુણવતાયુક્ત દવાઓની નિકાસ કરી રહ્યા છે.
આ મુલાકાત દરમિયાન ગુજરાત અને અમેરિકાની બન્ને સંસ્થાના પ્રતિનિધિઓ વચ્ચે પરસ્પર નેશનલ ડ્રગ કંટ્રોલ સ્ટ્રેટેઝી, ગેરકાયદેસર નારકોટીક્સ અને હેબીટ ફોર્મીંગ ડ્રગનો ઉપયોગ ઘટાડવાના પ્રયાસો, ગેરકાયદેસર ડ્રગ ઉત્પાદન અને હેરફેર સામે લડવા માટેની યોજનાઓ, ડ્રગ-સંબંધિત ગુના અને હિંસાને લગત વિવિધ બાબતોની ચર્ચા કરીને જન આરોગ્યને વધુ સુદ્રઢ બનાવવાની પહેલ કરવામાં આવી હતી.
કમિશનર શ્રી એચ. જી. કોશિયા દ્વારા તંત્રએ ગેરકાયદેસર નારકોટીક્સ અને હેબીટ ફોર્મીંગ ફાર્માસ્યુટીકલ દવાઓના ખરીદ વેચાણ અંગે કરવામાં આવેલી કામગીરીનુ પ્રેઝેન્ટેશન આપીને વિગતવાર ચર્ચા કરી હતી. ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કામગીરીથી અમેરિકાનું પ્રતિનિધિ મંડળ ખૂબ જ પ્રભાવિત થયું હતું.
ચર્ચા દરમિયાન કમિશનર શ્રી એચ. જી કોશિયાએ જણાવ્યું હતું કે, જન આરોગ્યને પ્રાધાન્ય આપીને રાજ્યનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગેરકાયદેસર નશાકારક ફાર્માસ્યુટીકલ દવાઓની હેરફેર કરનાર સામે હંમેશા લાલ આંખ રાખતું આવ્યું છે અને આગળ પણ રાખશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ USFDAના મોટાભાગના કંટ્રી ડિરેક્ટર સર્વ શ્રી બ્રુસ રોઝ, મેથ્યુ થોમસ, અલ્તફ લાલ, લેટીટીયા રોબીંસન્સ, સારાહ મેકમુલન, અને ગ્રેક સ્મીથ દ્વારા અવાર-નવાર તેઓની ટીમ સાથે નોલેજ શેરીંગ, ટ્રેનીંગ, કેપેસીટી બીલ્ડીંગ અને ઇન્ફોર્મેશનના આદાન-પ્રદાન અર્થે ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મુલાકાત લેવામાં આવી છે. આ ઉપરાંત US-FDA દ્વારા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડ્રગ અને ફૂડના અધિકારીશ્રીઓ તેમજ ગુજરાત રાજ્યના હેલ્થકેર અને ફાર્માસ્યુટીકલ્સ સેક્ટરના સ્ટેક હોલ્ડર્સને પણ તાલીમ આપવામાં આવી છે.