Western Times News

Gujarati News

દેવાયત ખવડ અને તેના માણસોએ સનાથલના યુવક પર હુમલો કર્યો

(એજન્સી)ગીર સોમનાથ, ગુજરાતમાં ડાયરા કલાકાર દેવાયત ખવડ ફરીવાર વિવાદમાં ફસાયા છે. ગીર સોમનાથના તાલાલાના ચિત્રાવડ ગામમાં તેમની કારે એક અન્ય કારને ટક્કર મારી હતી. જેના કારણે અમદાવાદના સનાથલનો ધૃવરાજસિંહ નામનો યુવક ઈજાગ્રસ્ત થયો હતો.

આ અકસ્માત બાદ દેવાયત ખવડના સાગરિતોએ ધૃવરાજસિંહને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધૃવરાજસિંહે સમગ્ર ઘટનામાં પોલીસમાં અરજી કરી હતી. ભોગ બનનાર યુવકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ યુવકની કાર પણ તોડફોડ કરેલી હાલતમાં મળી આવી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગીર સોમનાથના તાલાલાના ચિત્રાવડ ગામમાં ડાયરા કલાકાર દેવાયત ખવડ અને તેના સાગરીતોએ અમદાવાદના સનાથલના ધૃવરાજસિંહની કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ધૃવરાજસિંહને ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં જૂની અદાવત કારણભૂત હોવાનુ ગણાય છે. સનાથલમાં થયેલા એક ડાયરામાં દેવાયત ખવડ ઉપસ્થિત નહીં રહેતા તેની કાર પર હુમલો કરાયો હતો.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી હતી. પરંતુ હાલની ઘટનામાં પોલીસે અરજીના આધારે કાર્યવાહી શરૂ કરી છે.

સનાથલના ધૃવરાજસિંહે ગીરમાં જઈને સ્ટેટસ મુક્્યું હતુ ત્યાર બાદ દેવાયત ખવડ અને તેના મિત્રો અમદાવાદથી ગીર આવ્યા હોવાની ચર્ચાઓ છે. તેમણે ભોગ બનનાર યુવકની રેકી કરી હોવાની પણ આશંકાઓ છે. પોલીસે પીડિતનું નામ અને સંપર્ક નંબર અને લોકેશન આપવા ઇનકાર કર્યો હતો.

પીડિત યુવકને જૂનાગઢ ખસેડ્યો હોવાની જાણકારી મળી છે. તાલાલા પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે કોઈ ફરિયાદ નોંધી નથી અને ખુલાસા પણ કર્યા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.