અમેરિકા ટેરિફ યુદ્ધ- જામનગરના બ્રાસ ઉદ્યોગને અસર: નવા ઓર્ડર બંધ

AI Image
હાલમાં આ ટેરિફનો અમલ પાછળ ઠેલાયો છે, પરંતુ હાલ આ જાહેરાતને પગલે જામનગરના ઉદ્યોગની ચમક ઝાંખી પડી રહી છે
જામનગરઃ તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય નિકાસ પર ૨૫% ટેરિફ ઝીંકવાની જાહેરાત કરી છે, જેની જામનગરના બ્રાસ ઉદ્યોગ પર ગંભીર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.
હાલમાં આ ટેરિફનો અમલ પાછળ ઠેલાયો છે, પરંતુ હાલ આ જાહેરાતને પગલે જામનગરના ઉદ્યોગની ચમક ઝાંખી પડી રહી છે. ઉદ્યોગકારોનું શું માનવું છે આવો જાણીએ વિસ્તારથી.
જામનગરના બ્રાસ ઉદ્યોગે શહેરની વિશ્વભરમાં ઓળખ અપાવી છે. લાખો લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઉદ્યોગમાંથી રોજગારી મેળવે છે. ત્યારે અમેરિકાના ટેરિફની આ ઉદ્યોગ પર શું અસર પડશે તે મામલે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયાએ જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા ટેરિફ અંગે જે ચીમકી આપવામાં આવી રહી છે જેનાથી જામનગરના ઓલ ઓવર બ્રાસ ઉદ્યોગને વધુ પ્રતિકૂળ અસર પડે તેવું જણાતું નથી.
પરંતુ જામનગરની ઘણી એવી પેઢી છે જે અહીંથી તૈયાર માલની નિકાસ કરે છે તો આ પેઢીઓને ટેરિફ વારનો ડર લાગી શકે છે. જામનગરમાંથી નિકાસ થતાં બ્રાસના તૈયાર માલના અમેરિકાના દેશોમાં લગભગ ૭ થી ૧૦% જેટલી નિકાસ કરવામાં આવે છે. જેને આ ટેરિફની અસર પડી શકે છે. ટ્રમ્પની જાહેરાતને પગલે હાલ બ્રાસ ઉદ્યોગમાં સરવે દરમિયાન જાણવા મળ્યું છે કે મોટાભાગના ઓર્ડર હાલ પેન્ડિંગ છે.
નવા ઓર્ડર આપવાનું અમેરિકાની પાર્ટીઓએ સદંતર બંધ કર્યું છે એટલે કે અમેરિકાની પાર્ટીઓ વેઇટ એન્ડ વોચની સ્થિતિ પ્રમાણે ચાલી રહી છે જેને લઇ નવા ઓર્ડર મળવાનું બંધ થયું છે આથી બ્રાસ ઉદ્યોગને હાલની સ્થિતિએ નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો છે
પરંતુ એ વાત પણ સત્ય છે કે માત્ર ૭ થી ૧૦% જેટલી નિકાસ અમેરિકાના દેશોમાં થાય છે તેટલા જ ઉદ્યોગકારોને નુકસાન થઈ શકે છે જ્યારે સ્થાનિક બજારમાં આ ટેરિફની કોઈ અસર જોવા મળશે નહીં.