પાકિસ્તાનમા મોંઘવારીએ 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો

ઈસ્લામાબાદ, પાકિસ્તાનમા મોંઘવારી બેકાબૂ બની છે. જાન્યુઆરીમાં મોંઘવારીએ છેલ્લા 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. મોંઘવારીનો દર વધીને 14.6 ટકા થઈ ગયો છે. મળતી માહિતી મુજબ મોંઘવારીનો આટલો ઉંચો દર અગાઉ 2007-08ના વર્ષમા જોવા મળ્યો હતો, જે 17 ટકા સુધી પહોંચી ગયો હતો. પાકિસ્તાની બ્યુરો ઑફ સ્ટેટિસ્ટિક્સએ બહાર પાડેલા રિપોર્ટમા આ જાણકારી આપવામા આવી હતી. જેમા ડિસેમ્બર 2019મા મોંઘવારીનો દર 12.6 ટકા હતો. આ રેટના આધારે સ્પષ્ટ થાય છે કે, ખાદ્યપદાર્થોની ચીજવસ્તુઓના ભાવો આસમાને પહોંચી જવાના કારણે મોંઘવારી વધી છે. ખાસ કરીને, ઘઉંનો લોટ, દાળ, ખાંડ, ગોળ અને ખાવાનું તેલ વગેરે જેવા ખાદ્ય પદાર્થોના ભાવમા વધારો થવાના કારણે મોંઘવારીના દરમા વધારો થયો છે.
આ રિપોર્ટ અનુસાર, રોજબરોજની ખાવા-પીવાની વસ્તુઓ, ખાસ કરીને ફળ અને શાકભાજીના ભાવ શહેરો કરતા ગામડામા વધ્યા છે. એવી જ રીતે ગામડાના વિસ્તારોમા રસોઈના ગેસ સિલિન્ડરનો ભાવ વર્ષ 2013ની સામે અત્યારે સર્વોચ્ચએ પહોંચ્યો છે. મોંઘવારીના આંકડા અનુસાર, જાન્યુઆરીમા શહેરી વિસ્તારમા ખાવાની વસ્તુઓ વર્ષના હિસાબે 19.5 ટકા વધુ મોંઘી બની છે. જોકે ગામડાના વિસ્તારોમા આ આંક 23.8 ટકા છે. ટમેટા 158 ટકા, ડુંગળી 125 ટકા, તાજા શાકભાજી 93 ટકા, બટાટા 87 ટકા, ખાંડ 86 ટકા, અને લોટ 24 ટકા મોંઘા થયા છે.