બંધ શાળાના ઓટલા પર ચાલી રહી હતી દારૂ પાર્ટીઃ 3 ઈસમો ઝડપાયા

પ્રતિકાત્મક
શાળા જેવા પવિત્ર સ્થળે દારૂનું સેવન કરવું એ એક ગંભીર ગુનો બને છે અને પોલીસે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી
નવસારી, નવસારી જિલ્લામાં કાયદાનું ઉલ્લંઘન કરતી એક ઘટના સામે આવી છે. જ્યાં મરોલી પોલીસે આસણા ગામની એક બંધ શાળાના ઓટલા પર દારૂ પાર્ટી કરતા ત્રણ ઈસમોની ધરપકડ કરી હતી.
જાહેર સ્થળે ખાસ કરીને શાળા જેવા પવિત્ર સ્થળે દારૂનું સેવન કરવું એ એક ગંભીર ગુનો બને છે. અને પોલીસે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી હતી. મરોલી પોલીસને બાતમી મળી હતી કે આસણા ગામમાં આવેલી એક બંધ શાળાના ઓટલા પર કેટલાક ઈસમો દારૂની મહેફિલ માણી રહ્યા છે.
આ માહિતીના આધારે મરોલી પોલીસની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન ત્યાં હાજર ત્રણ વ્યક્તિઓને દારૂનું સેવન કરતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા.
પોલીસે દારૂની બોટલ સહિત અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત પોલીસે આ આરોપીઓની બે બાઇક પણ જપ્ત કરી હતી. પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.આ ઘટનાથી સ્પષ્ટ થાયું હતું કે કેટલાક અસામાજિક તત્વોને પોલીસ અને કાયદાનો કોઈ ડર રહ્યો નથી.
શાળા જેવી જગ્યાએ આ પ્રકારની પ્રવૃત્તિઓ થવાથી સમાજ પર અને ખાસ કરીને યુવા પેઢી પર તેની ખરાબ અસર પડી શકે છે. પોલીસે આ મામલે કડક વલણ અપનાવીને એક દાખલો બેસાડ્યો હતો. આશા છે કે ભવિષ્યમાં આવા બનાવો ફરી ન બને.