Western Times News

Gujarati News

માનવાધિકાર ભંગ વિરુદ્ધ ભારતે ઓછી તો પાકિસ્તાને ભાગ્યે જ કાર્યવાહી કરી : અમેરિકાનો રિપોર્ટ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ ભારતથી નારાજ છે

અમેરિકાએ ૧૨ ઓગસ્ટના રોજ આ રિપોર્ટ જાહેર કર્યાે છે, જેમાં કહેવાયું છે કે પાકિસ્તાન માનવાધિકાર હનનના કેસોમાં માત્ર ક્યારેક જ કાર્યવાહી કરે છે

નવી દિલ્હી,અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ ભારતથી નારાજ છે. તેમણે ભારત પર ૫૦% ટેરિફ લાદ્યો છે, પરંતુ આ દરમિયાન પાકિસ્તાન સાથે તેમની નિકટતા વધી ગઈ છે. પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર તાજેતરમાં બે વાર અમેરિકા ગયા છે. જોકે, આ દરમિયાન એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અમેરિકાએ માનવાધિકાર ઉલ્લંઘન પર એક વાર્ષિક રિપોર્ટ બહાર પડ્યો છે. રોયટર્સ મુજબ, આ રિપોર્ટ દ્વારા પાકિસ્તાનને સખત ફટકાર લગાવવામાં આવી છે.

અમેરિકાએ ૧૨ ઓગસ્ટના રોજ આ રિપોર્ટ જાહેર કર્યાે છે, જેમાં કહેવાયું છે કે પાકિસ્તાન માનવાધિકાર હનનના કેસોમાં માત્ર ક્યારેક જ કાર્યવાહી કરે છે. આ રિપોર્ટમાં ભારતનો પણ ઉલ્લેખ છે. ટ્રમ્પના કાર્યકાળમાં અમેરિકાએ આ વૈશ્વિક માનવાધિકાર રિપોર્ટનું કદ નાનું કરી દીધું છે. આ સાથે જ સહયોગી દેશોની ટીકા પણ ઓછી કરી છે. ભારત અને પાકિસ્તાન વિશેનો રિપોર્ટ નાનો છે.રિપોર્ટમાં ભારત વિશે કહેવામાં આવ્યું છે કે, ‘સરકારે માનવાધિકારનું ઉલ્લંઘન કરનારા અધિકારીઓ સામે બહુ ઓછાં અને ખાતરીપૂર્વકનાં પગલાં લીધાં છે. તેમના સામે બહુ ઓછી કાર્યવાહી કરવામાં આવી છે.’

બીજી તરફ, પાકિસ્તાન વિશે કહેવામાં આવ્યું છે કે, ‘પાકિસ્તાન સરકારે માનવાધિકારનું ઉલ્લંઘન કરનારા અધિકારીઓ સામે ભાગ્યે જ કડક પગલાં લીધાં છે.’ આ રિપોર્ટ પાકિસ્તાન માટે એક મોટો ફટકો છે.ડોનાલ્ડ ટ્રમ્પને એ વાતથી વાંધો છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે. તેમણે કહ્યું હતું કે, ભારત સારો ભાગીદાર નથી. ટ્રમ્પે આ જ કારણ આપીને ટેરિફ બમણો કરી દીધો.

પહેલાં ૨૫% ટેરિફ લગાવ્યો હતો, જેને વધારીને ૫૦% કરી દીધો.બીજી તરફ, અમેરિકા અને પાકિસ્તાનના સંબંધોમાં સુધાર આવ્યો છે. ‘ઓપરેશન સિંદૂર’ પછી તેઓ બંને ખૂબ નજીક આવી ગયા છે. પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર બે વાર અમેરિકાનો પ્રવાસ કરી ચૂક્યા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.