Western Times News

Gujarati News

હિમાચલમાં કુલ્લુ અને શિમલામાં આભ ફાટ્યું

અનેક પુલ વહી ગયા, ૩૨૫ માર્ગાે બંધ

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૨૦ જૂનથી શરૂ થયેલા વરસાદમાં અત્યાર સુધીમાં ૨૦૩૧ કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચુક્યુ છે 

શિમલા,પૂર્વાેત્તર રાજ્યોમાં, ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં, છેલ્લા કેટલાક વર્ષાેમાં ચોમાસા દરમિયાન વાદળ ફાટવાની ઘટનાઓમાં ઝડપથી વધારો થયો છે. બુધવારે સાંજે કુલ્લુમાં બે અલગ-અલગ સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ નોંધાઈ હતી. જેના કારણે હિમાચલમાં પૂરની સ્થિતિ સર્જાઈ અને સમગ્ર રાજ્યમાં તબાહી મચી ગઈ હતી. વાદળ ફાટવાના કારણે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત રાજ્યના ૩૨૫ રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા.સતત વરસાદના કારણે હિમાચલ પ્રદેશને પણ આર્થિક નુકસાન થયું છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૨૦ જૂનથી શરૂ થયેલા વરસાદમાં અત્યાર સુધીમાં ૨૦૩૧ કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચુક્યુ છે. આર્થિક સિવાય જાનમાલનું પણ ભારે નુકસાન થયું છે. આ સિઝનમાં વરસાદ સાથે જોડાયેલા કેસમાં અત્યાર સુધી ૧૨૬ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વળી, ૩૬ લોકો ગુમ છે. મળતી માહિતી મુજબ, કુલ્લુમાં બે જગ્યાએ નિરમંડ ઉપમંડળની શ્રીખંડ પહાડી અને બંજાર ઉપમંડળની તીર્થન ખીણની બાથાધ પહાડી પર બુધવારે સાંજે વાદળ ફાટવાની ઘટના બની હતી.

શ્રીખંડ પહાડીમાં વાદળ ફાટવાના કારણે કુરપન રાવીમાં પૂર આવી ગયું અને તંત્રએ બાગીપુલ બજારને તુરંત ખાલી કરાવી દીધી હતું. બુધવારે રાત્રે શિમલાના રામપુર વિસ્તારના નંટીમાં પણ વાદળ ફાટવાની ઘટના બની હતી, જેમાં પુલ ધરાશાયી થઈ ગયો હતો. તીર્થન નદી કિનારે બનેલા અમુક કાટેજને નુકસાન પહોંચ્યું છે અને અમુક વાહનો પણ પાણીમાં વહી ગયા. કુલ્લુના ડેપ્યુટી કમિશનર તોરલ એસ. રવિશે જણાવ્યું કે, તંત્રની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી છે અને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

જોકે, હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.નોંધનીય છે કે, લાહૌલ-સ્પિતિ જિલ્લામાં પણ વાદળ ફાટવાની ઘટના નોંધાઈ છે. આ ઘટનામાં બે પુલ ધાવાઈ ગયા હતા. કરપટ ગામમાં વધતા જોખમના ભયથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આી રહ્યા છે. સ્થાનિક હવામાન વિજ્ઞાન કેન્દ્રએ ચંબા, કાંગડા અને મંડીમાં ગુરૂવારે ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જોકે, શુક્રવારથી રવિવાર સુધી ચારથી છ જિલ્લામાં ભારે વરસાદના કારણે એલર્ટ જાહેર કર્યું હતું.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.