રશિયન સેટેલાઇટે અમેરિકાના જાસુસી ઉપગ્રહનો પીછો કરી વીડિયો લેતા ચકચાર

નવી દિલ્હી, રશિયાના સેટેલાઇટ દ્વારા પૃથ્વીની ઉપર અવકાશમાં ફરી રહેલા અમેરિકાના સ્પાઇ સેટેલાઇટ (જાસુસી ઉપગ્રહ)નો પીછો કરવામાં આવ્યો હોવાના સમાચાર મળતા ચકચાર મચી ગઈ છે. સ્પેસ ટ્રેકર એજન્સીના અહેવાલ પ્રમાણે જાન્યુઆરી મહીના દરમિયાન રશિયન સેટેલાઇટે અમેરિકન સેટેલાઇટની નજીક જઈને તેની જાસુસી કરવા પ્રયત્ન કર્યો હતો. રશિયન સેટેલાઇટે સંપૂર્ણ જાન્યુઆરી મહીના દરમિયાન આ પ્રકારની ગતિવિિધઓ કરી હતી અને કેમેરા વડે ફોટો લેવા ઉપરાંત વીડિયો પણ ઉતાર્યા હતા.
રશિયાનું કોસમોસ 2542 નામનું આ સેટેલાઇટ નવેમ્બર 2019માં લોન્ચ કરવામાં આવ્યું હતું. કોસમોસ 2542 નામનું આ સેટેલાઇટ હાલ પોતાની જૂની કક્ષામાં પાછું ફરવા લાગ્યું છે. અમેરિકી સેનાએ તેને રશિયાના સ્પાઇ સેટેલાઇટ એટલે કે જાસુસી ઉપગ્રહ તરીકે સૂચિબદ્ધ કર્યું છે. અમેરિકી સેનાની આ ખાસ શાખા પોતાના સેટેલાઇટની જાણકારી રાખવાની સાથે વિદેશી સેટેલાઇટની ઉપસ્થિતિ પર પણ નજર રાખે છે.
જો કે સાથે જ અમેરિકન સૈન્ય શાખાએ રશિયન સેટેલાઇટના નજીક આવવાથી ડરવાની જરૂર ન હોવાની સ્પષ્ટતા કરી છે. સામાન્ય રીતે પોતાની કક્ષામાં ફરતા અમેરિકા અને રશિયાના સેટેલાઇટ દર 10 દિવસે એકબીજાની નજીક આવે છે. સેટેલાઇટ અને હવાઇ ઉડાનો ક્ષેત્રે નિષ્ણાત માઇકલ થોમસનના કહેવા પ્રમાણે રશિયન સેટેલાઇટની આ ગતિવિધિ શંકાસ્પદ છે પરંતુ આ મામલે હજુ સુધી કશું સાબિત નથી થઈ શક્યું કારણ કે, તે કક્ષામાં અનેક પ્રકારના સેટેલાઇટ ફરી રહ્યા છે.