અખબારનગર અંડરપાસમાં પાણી ભરાતાં બંધ કરાયો

ગુજરાતમાં મેઘમહેર, ખેડૂતો ખુશ ખુશાલ -અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં
ગાંધીનગર, ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. શનિવારે (૧૬ ઓગસ્ટ) રાજ્યભરમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર, અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યના ૧૧૫ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં નોંધાયો હતો. દરમિયાન શનિવારે બપોરના સમયે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યોહતો. ભારે વરસાદને પગલે અમદાવાદના ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. આ સિવાય ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લાં ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગર અને ખેડામાં નોંધાયો હતો. સુરેન્દ્રનગર થાનગઢ તાલુકામાં સૌથી વધુ ૩.૩૫ ઈંચ વરસાદ નોંધાયો હતો.
આ સિવાય ખેડાના કપડવંજ તાલુકામાં ૨.૮૩ ઈંચ અને અમદાવાદમાં ૦.૪૭ ઈંચ વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ મેઘરાજા ગુરાજતમાં ફરીથી મહેરબાન થતા ખેડુતોમાં ખુશી ફેલાઈ છે. ગુજરાતમાં ફરીથી મેઘરાજાનું જોર ધીરે ધીરે વધી રહ્યું છે. ત્યારે એક લો પ્રેશર એરિયાની સાથે વધુ એક લો પ્રેશર એરિયા બની ગયો છે. એક મોન્સૂન ટ્રફ બંગાળની ખાડીમાંથી અરબ સાગરમાં જઈ રહ્યું છે.
જેના કારણે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સોમવારે ૧૮મી તારીખે જુનાગઢ, પોરબંદર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં યલો એલર્ટ સાથે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.