ગોંડલમાં વરસાદે લોકમેળાની મજા બગાડી, ગ્રાઉન્ડમાં પાણી ભરાતા રાઇડ્સ બંધ

(એજન્સી)રાજકોટ, ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. શહેરમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે ગોંડલનો લોકમેળો પણ પ્રભાવિત થયો છે.
મેળાના ગ્રાઉન્ડમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા રાઇડ્સ બંધ કરવાની ફરજ પડી છે, જેથી મેળાની મજા માણવા આવેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વાવણી બાદ પ્રથમવાર ગોંડલમાં આટલો ધોધમાર વરસાદ થયો છે. સતત વરસતા વરસાદને કારણે મેળાના ગ્રાઉન્ડમાં કાદવ અને પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.
મેળાનું સંચાલન કરતા સંચાલકોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વરસાદને કારણે મેળામાં આવતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ પણ ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ મેળાના આયોજકો અને મુલાકાતીઓ માટે તે મુશ્કેલીરૂપ સાબિત થયો છે.