Western Times News

Gujarati News

શું સચિવાલયમાં પણ મહિલા કર્મચારીઓ સલામત નથી?

સચિવાલય સ્ટાફ એસોસિયેશન દ્વારા લખવામાં આવ્યો-મહિલા કર્મચારીઓને અધિકારીઓ પોતાની ચેમ્બરમાં બોલાવીને બધા વચ્ચે ઉતારી પાડી, મોઢા પર કાગળ ફેંકવા સુધીની ગેરવર્તણુંક કરે છે. 

ગુજરાત સરકારમાં સચિવાલય કેડરની એક આગવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે.આ કેડરના અધિકારી/કર્મચારી સરળ,સહજ અને સજ્જ્ન હોય એવી સામાન્ય છાપ પ્રવર્તે છે. પરંતુ હવે એવું લાગે છે કે સચિવાલયના કર્મચારી/અધિકારીઓનું નૈતિક સ્તર પણ કદાચ નીચે ઉતરતું જાય છે.

તેનો પુરાવો એ છે કે ગાંધીનગર સચિવાલયના પંચાયત વિભાગના કેટલાંક અધિકારીઓ તેમના વિભાગની મહિલા નાયબ સેક્શન ધિકારીઓને હેરાન કરે છે તેવી ફરિયાદ કરતો એક પત્ર મુખ્યમંત્રી કાર્યાલયમાં ગયો છે.આ પત્ર મુખ્યમંત્રીનાં અધિક મુખ્ય સચિવ મનોજ દાસ પાસે પહોંચતા એ પણ ચોંકી ગયા છે.

આ પત્ર ગંભીર એ માટે છે કે તે સચિવાલય સ્ટાફ એસોસિયેશન દ્વારા લખવામાં આવ્યો છે. જેમાં (૧)પંચાયત વિભાગના નાયબ સચિવ નરેન્દ્ર વાઘેલા (૨)ઉપસચિવ પીયૂષ રાજવંશી અને હાલ શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા(૩) નાયબ સચિવ સતીશ પરમાર વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ કરવામાં આવી છે.

આ મહિલા કર્મચારીની ફરીયાદ એવી છે કે કાર્યાલય સમય દરમિયાન જે તે અધિકારીઓ તેમને ગંદી નજરે જુએ છે,તેઓ પર અણછાજતી કોમેન્ટ કરે છે, અશ્લીલ ઠઠ્ઠા-મશ્કરી કરે છે અને ચારિત્ર્ય વિષયક ટીપ્પણી ઓ કરે છે .મહિલા કર્મચારીઓને પોતાની ચેમ્બરમાં બોલાવીને બધા વચ્ચે ઉતારી પાડી, મોઢા પર કાગળ ફેંકવા સુધીની ગેરવર્તણુંક કરે છે.  મહિલાઓ જ્યાં સૌથી વધુ સલામત હોવી જોઈએ એ સ્થળે આવું થાય એ અત્યંત શોચનીય ઘટના છે.

ક્ષત્રિયોના મુદ્દે ભા.જ.પ.ના પ્રવક્તા જયરાજસિંહ પરમારની જીભ લપસી?
ગુજરાતનાં ભા.જ.પ.નાદિગ્ગજ નેતા પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે નાનકડી ટકોર કરી હતી એ વિવાદ લાંબો ચાલેલો.એ પછી વળી પાછું વધું એક વખત ભા.જ.પ.ના એક નેતાની ક્ષત્રિય સમાજ અંગે બોલતા જીભ લપસી છે.

તાજેતરમાં ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે એક કોલેજના કાર્યક્રમમાં ભા.જ.પ.ના પ્રવક્તા જયરાજસિંહ પરમારે ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટીપ્પણીથી માણસાના રાજવી યોગરાજસિહ રાઓલ અને જયરાજસિંહ પરમાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

એટલુ જ નહીં પરંતુ રાઓલે પરમારને પ્રવચન કરતા પણ અટકાવ્યા હતા અને કહ્યું હતું કે તમે ક્ષત્રિય સમાજ વિશે આપ ખોટી વાતો ફેલાવો છો.ક્ષત્રિય સમાજના ઇતિહાસ વિશે આ બન્ને આગેવાનો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી અને તેનાં પરીણામે માણસના રાજવી રાઓલ કાર્યક્રમમાંથી નીકળી ગયા હતા. સર્ટફીકેટ કોર્સ અંગેનાં આ કાર્યક્રમમાં જયરાજસિંહ મુખ્ય મહેમાન હતા અને યોગરાજસિંહને સ્થાનિક અગ્રણી તરીકે નિમંત્રવામા આવ્યા હતા

ત્યારે આ વૈચારિક તકરાર થઇ હતી.ભા.જ.પ.પાસે એક જમાનામાં શંકરસિંહ વાઘેલા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજેન્દ્રસિંહ રાણા અને પ્રદીપસિંહ જાડેજા જેવા પરીપકવ રાજકારણીઓ હતાં.જેઓ કોઈ દિવસ, કોઈ વિવાદમા આવતા નહીં.એ સૌ અહીં યાદ આવે.વર્તમાન આગેવાનોએ આ જુના તથા પીઢ આગેવાનો પાસેથી કંઈક શીખવું જોઈએ હોં!

ભાવનગરના કલેકટર ડો.મનીષ કુમારની પ્રેરણાદાયી કામગીરી

ગુજરાતની આઈ.એ.એસ.કેડરની ૨૦૧૩ની બેચના અધિકારી અને હાલ ભાવનગર જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા ડો.મનીષ કુમાર ગત તા.૧૧ને મંગળવારે ભાવનગર ખાતે આવેલી તાલુકા મામલતદાર કચેરીએ સવારે ૧૦ઃ૩૦ કલાકે ઓચિંતા પહોંચી ગયા અને ૧૧ઃ૦૦ વાગ્યા સુધી રોકાયા તે દરમિયાન તાલુકા મામલતદાર કચેરીનો ૧૦ ટકા સ્ટાફ પણ કચેરીમાં પહોંચ્યો નહોતો.

સારી વાત તો એ છે કે ડો. મનીષ કુમારે આ અંગે જે તે સ્થળેથી જ રીલ બનાવીને જિલ્લાના તમામ નાયબ કલેકટર અને મામલતદારને કડક સુચના આપીને કહ્યું આ બાબત ચલાવી નહીં લેવાય અને આ અંગે ભવિષ્યમાં ધ્યાન રાખવું.મનીષ કુમાર આવી બાબતોના રીલ બનાવીને સોશ્યલ મીડિયા પર મુકે છે

એ સારું છે જેથી કરીને લોકોને પણ સરકારીતંત્રની લાલિયાવાડીની ખબર પડે છે.ડો.મનીષે અગાઉ નાના બાળકોને દ્વિચક્રી વાહનો આપવા અંગે પણ વાલીઓને ચેતવણી આપતો વિડિયો રીલીઝ કર્યો હતો.કલેકટર કુમારની આ સક્રિયતામાંથી અન્ય કલેક્ટરોએ પ્રેરણા લેવા જેવી છે.

સેક્ટર ૨૦ની પ્રાથમિક શાળા ભયજનક જાહેર થતાં વિધાર્થીઓની કફોડી હાલત
રાજ્યનુ પાટનગર હોવાં છતાં ગાંધીનગરમાં પણ સરકારી વહીવટમાં ભરપૂર અંધેર પ્રવર્તે છે.તેનુ તાજું ઉદાહરણ એ છે કે શહેરની સેક્ટર ૨૦ સરકારી પ્રાથમિક શાળાની ઈમારતને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભયજનક જાહેર કરી દેવામાં આવી છે.

શાળાને ભયજનક જાહેર કરવામાં આવી હોવાથી ૨૦૦ થી વધુ વિધાર્થીઓ અત્યારે ઝાડ નીચે તેમજ શાળાના પ્રાર્થના માટે બનાવાયેલ શેડ નીચે અભ્યાસ કરે છે.

આ કારણે વિદ્યાર્થીઓ તડકામાં શેકાય છે, જમીન પર બેસવાને કારણે જીવજંતુઓ કરડે છે.આખુ ગાંધીનગર સરકારી ઈમારતોથી ભરાયેલું છે પણ માત્ર ૨૦૦ નાના બાળકો માટે અભ્યાસનું એક સલામત ઠેકાણું સરકારી શિક્ષણ વિભાગ શોધી શકતો નથી એ વહીવટીની બલિહારી જ ગણાયને?

કચ્છ યુનિવર્સિટીમાં ભરતી અંગે થયેલી ગેરરીતિ સરકારે સ્વીકારી!
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તા.૬/૮/૨૫ના દિવસે બહાર પાડવામાં આવેલા એક ઠરાવક્રમાંકઃઈડી૦૦૩૨/૦૮/૨૦૨૫માં લખવામાં આવ્યું છે કે ‘આમ તપાસ અહેવાલની વિગતો ધ્યાને લેતા કચ્છ યુનિવર્સિટી દ્વારા(૧)આસીસ્ટન્ટ રજીસ્ટાર અને સેક્શન ઓફિસરની ભરતીમાં ભરતીનાં નિયમોમાં રાજ્ય સરકારની મંજૂરી વગર ફેરફાર કરવામાં આવેલ છે

(૨)જેમાં પારદર્શકતા અને ન્યાયી પ્રક્રિયાનો અભાવ જોવા મળે છે(૩)સમાન ગુણ ધરાવતા ઉમેદવારો સાથે ભેદભાવ થયેલ છે(૪)અનધિકૃત રીતે ઉંમરમાં છૂટ આપવામાં આવેલ છે(૫)કરાર આધારિત ઉમેદવારોને સરકારશ્રીની મંજૂરી વિના કાયમી ગણીને લાભ આપવામાં આવેલ છે

(૬)સરકારશ્રીની અનામત નીતિનો પણ ભરતી પ્રક્રિયામાં અમલ કરવામાં આવેલ નથી.આથી ભરતી પ્રક્રિયા નિયમો સાથે અસંગત, ખામીયુક્ત, ભેદભાવપૂર્ણ અને દુષિત હોવાનું જણાઈ આવે છે.

આમ રજુઆત કર્તાઓએ કરેલ રજુઆતને આંશિક સમર્થન મળતું હોઈ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા ક્ચ્છ યુનિવર્સિટીમાં થયેલ(પાંચ )આસીસ્ટન્ટ રજીસ્ટાર અને સેક્શન ઓફિસરની ભરતી રદ્દ કરવાનો સરકારશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવે છે’ આ આખો હુકમ વર્તમાન સરકારના શિક્ષણ વિભાગમાં પ્રવર્તતી અરાજકતાનું આડકતરું એકરારનામું છે એવું જો કોઈ કહે તો તેને ના પાડવાની હિંમત કોઈ કરે ખરું?

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.