Western Times News

Gujarati News

સુપ્રીમ કોર્ટની સલાહ લેવી કે નહીં તે કોર્ટ નહીં રાષ્ટ્રપતિ જ નક્કી કરશે: કેન્દ્ર સરકારની સ્પષ્ટતા

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ન્યાયતંત્ર એ નક્કી કરી શકતું નથી કે રાષ્ટ્રપતિ ક્યારે અને કયા બિલના મામલે સુપ્રીમ કોર્ટની સલાહ લઈ શકે છે.

કેન્દ્ર સરકારે બિલની બંધારણીયતા અંગે રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય લેવા માટે ફરજ પાડતા નિર્ણય પર વાંધો ઉઠાવતા કહ્યું છે કે અદાલતો રાષ્ટ્રપતિને એવી સૂચના આપી શકતી નથી કે તેઓ પોતાની સંપૂર્ણ વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને કેવી રીતે, ક્યારે અને કયા મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય લે.

આ સાથે જ કેન્દ્રએ રાષ્ટ્રપતિના સંદર્ભમાં દાખલ કરાયેલી લેખિત દલીલોમાં કહ્યું કે, ‘રાજ્ય વિધાનસભામાં પસાર થયેલા બિલ પર પગલાં લેવા માટે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ પર નિશ્ચિત સમયમર્યાદા લાદવાનો અર્થ એ થશે કે સરકારનું એક અંગ બંધારણમાં તેને ન અપાયેલી સત્તાઓનો ઉપયોગ કરી રહ્યું છે અને તેનાથી ‘બંધારણીય અરાજકતા’ ઊભી થશે.’

મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈની અધ્યક્ષતાવાળી ૫ જજોની બેન્ચ સમક્ષ રાષ્ટ્રપતિના સંદર્ભ પર મંગળવારે થનારી સુનાવણી પહેલાં, કેન્દ્રએ કહ્યું કે, ‘કાનૂનનો કોઈ પણ બંધારણીય પ્રસ્તાવ, જેમાં રાષ્ટ્રપતિ પાસેથી દરેક આરક્ષિત બિલને સુપ્રીમ કોર્ટમાં મોકલવાની બંધારણીય અપેક્ષા રાખવામાં આવે છે, તે બંધારણીય વ્યવસ્થા વિરુદ્ધ છે.’

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટની બેન્ચના આ પ્રસ્તાવને નકારવાના ત્રણ કારણો આપ્યા છે.સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલી સમયમર્યાદા બંધારણીય સંતુલન બગાડશે. તેમણે કહ્યું કે જો કોઈ ભૂલ થાય, તો તેને ચૂંટણી, કાયદાકીય દેખરેખ, કારોબારી જવાબદારી કે સલાહ જેવી બંધારણીય પ્રક્રિયાઓથી સુધારવી જોઈએ.

અનુચ્છેદ ૧૪૨ સુપ્રીમ કોર્ટને એવી કોઈ સત્તા આપતો નથી કે તે ‘માન્ય સહમતિ’ જેવો નવો નિયમ બનાવીને બંધારણીય પ્રક્રિયાને ઉલટાવી દે.રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના પદ રાજકીય છે, તેથી તેમના નિર્ણયો સાથે જોડાયેલા કોઈ પણ વિવાદનું સમાધાન રાજકીય અને બંધારણીય રીતે થવું જોઈએ, ન્યાયાલય દ્વારા નહીં. સોલિસિટર જનરલ તુષાર મહેતાનું કહેવું છે કે, આવા મુદ્દાઓનો ઉકેલ ન્યાયિક હસ્તક્ષેપથી નહીં, પરંતુ રાજકીય રીતે લાવવો જોઈએ.

સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકારતા, તુષાર મહેતાએ દલીલ કરી છે કે અનુચ્છેદ ૨૦૦ અને ૨૦૧માં, જે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના બિલને મંજૂરી આપવાના અધિકારો સાથે સંબંધિત છે, કોઈ સમયમર્યાદા જાણીજોઈને મૂકવામાં આવી નથી.

જ્યારે બંધારણને કોઈ નિર્ણય માટે સમયમર્યાદા નક્કી કરવી હોય છે, ત્યારે તે સ્પષ્ટપણે તેનો ઉલ્લેખ કરે છે. જ્યાં આવી મર્યાદા નથી, તેનો અર્થ એ છે કે શક્તિનો ઉપયોગ લચીલાપણું સાથે થવો જોઈએ.

ન્યાયાલય દ્વારા આવી મર્યાદા નક્કી કરવી એ બંધારણમાં સુધારો કરવા જેવું હશે.નોટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે નિયંત્રણ અને સંતુલન હોવા છતાં, બંધારણમાં કેટલાક એવા ક્ષેત્રો છે જે રાષ્ટ્રના ત્રણ અંગો (ન્યાયતંત્ર, કાર્યપાલિકા અને વિધાયિકા)માંથી કોઈ એક માટે વિશેષ છે અને અન્ય કોઈ તેના પર અતિક્રમણ કરી શકે નહીં. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના પદ આ જ ક્ષેત્રમાં આવે છે. રાજ્યપાલની મંજૂરી આપવાની શક્તિ એક ખાસ અને વિશિષ્ટ અધિકાર છે, જે કાયદાકીય પ્રકૃતિ ધરાવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.