વૃદ્ધ તથા બીમાર બંદીવાનોને અલગ બેરેક, કેરટેકર તેમજ દવાખાનામાં અગ્રિમતા સહિતની સુવિધા આપવા નિર્ણય

પ્રતિકાત્મક
રાજ્યની જેલોમાં કેદ બંદીવાનોના બાળકો તથા વયસ્ક બંદીવાનો માટે મહત્વપૂર્ણ નિર્ણય
બંદીવાનોના સંતાનોને સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે “વિકાસદીપ” યોજનાની જાહેરાત
Ø સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરવા બદલ રૂ. 5,001, મેઇન્સ/લખિત પરીક્ષા પાસ કરવા બદલ ₹10,001 અને અંતિમ પસંદગી અને નિમણુંક બદલ ₹15,001નું ઇનામ બંદીવાનના બાળકોને આપવામાં આવશે
Ø રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમત-ગમત ક્ષેત્રે વિજેતા બનેલા બાળકોને પણ ઇનામો આપવામાં આવશે
Ø આ મહત્વપૂર્ણ નિર્ણયોથી જેલોમાં રહેલા બંદીવાન તથા તેમના પરિવારજનના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે
ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, આજે જેલ ડીજીપી શ્રી કે.એલ.એન રાવે બંદીવાનોના સંતાનો માટે અને જેલોમાં રહેલા વૃદ્ધ તથા બીમાર બંદીવાનો માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે.
રાજ્યની જેલોમાં રાખવામાં આવેલા બંદીવાનોના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે તેમજ રમત-ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા “વિકાસદીપ” યોજના અંતર્ગત રોકડ ઇનામ અને પુરસ્કારો આપવાના નિર્ણયો લેવામાં આવ્યા છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા પર બંદીવાનના બાળકોને કુલ ત્રણ સ્તરે ઇનામો મળશે. જેમાં પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરવા બદલ રૂ.5,001 અને પ્રમાણપત્ર, મેઇન્સ/લખિત પરીક્ષા પાસ કરવા બદલ ₹10,001 અને પ્રમાણપત્ર તેમજ અંતિમ પસંદગી અને નિમણુંક બદલ ₹15,001, મોમેન્ટો અને પ્રમાણપત્ર બંદીવાનના બાળકોને સિધ્ધિ બદલ આપવામાં આવશે.
બીજી તરફ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમત-ગમત ક્ષેત્રે વિજેતા બનેલા બાળકોને પણ ઇનામો આપવામાં આવશે. જે અંતર્ગત રાજ્ય સ્તરે બ્રોન્ઝ મેડલ માટે ₹3,001 અને પ્રમાણપત્ર, સિલ્વર મેડલ માટે ₹5,001 અને પ્રમાણપત્ર તથા ગોલ્ડ મેડલ માટે ₹7,001, ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવશે. જ્યારે રાષ્ટ્રીય સ્તરે વિજેતા થયેલા બાળકોને બ્રોન્ઝ મેડલ માટે ₹7,001 અને પ્રમાણપત્ર, સિલ્વર મેડલ માટે ₹10,001 અને પ્રમાણપત્ર તેમજ ગોલ્ડ મેડલ માટે ₹15,001, ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવશે.
જેલ અધિકારીઓ અને કર્મચારીઓના બાળકોને પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા રમતગમત ક્ષેત્રે સફળતા માટે પણ ઇનામ પુરસ્કાર આપવામાં આવશે.
60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધ તથા બીમાર બંદીવાનો માટે ખાસ નિર્ણય લેવાયા
Ø તેમની માટે અલગ બેરેક ફાળવવી
Ø દૈનિક પ્રવૃત્તિઓ માટે કેરટેકર આપવો
Ø સ્પેશિયલ રેમ્પ્સ, દવાખાનામાં અગ્રિમતા સાથે સુવિધા આપવી
Ø નિયમિત તબીબી ચકાસણી અને મેડિકલ કેમ્પનું આયોજન
Ø પોષણક્ષમ અને આરોગ્યપ્રદ આહાર ઉપલબ્ધ કરાવવો
Ø જરૂરી દવાઓ સમયસર પહોંચાડવી
Ø માનસિક આરોગ્ય માટે કાઉન્સેલિંગ સુવિધા આપવી
Ø જામીન પ્રક્રિયામાં અને દયા અરજી સંબંધિત કાયદેસર મદદ કરવી
આ મહત્વપૂર્ણ નિર્ણયોથી જેલોમાં રહેલા બંદીવાન તથા તેમના પરિવારજનના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે અને તેમની ઉન્નતિના માર્ગો ખુલશે.